નવીદિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષપદ સંભાળી લીધું છે. ઓગસ્ટ ૨૦૨૧માં સુરક્ષા પરિષદનું અધ્યક્ષપદ ભારત પાસે રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ની એક બેઠકનું અધ્યક્ષપદ સંભાળશે. સંયુક્ત રાષ્ટ્રના ભારતના પ્રતિનિધિએ જણાવ્યું કે ભારત આ દરમિયાન ત્રણ ઉચ્ચકક્ષાની બેઠક યોજવા જઇ રહ્યું છે. બેઠકોમાં સમુદ્રી સુરક્ષા, શાંતિ સ્થાપના અને આતંકના મુકાબલા જેવા મુદ્દે ચર્ચા થશે. ૭૫ વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે ભારતના રાજકીય નેતૃત્વએ યુએનએસસીના કોઇક કાર્યક્રમનું અધ્યક્ષપદ સંભાળવામાં રસ લીધો છે. આ બાબત સૂચવે છે કે રાજકીય નેતૃત્વ હવે અગ્ર હરોળમાં નેતૃત્વ કરવાનો ઇરાદો ધરાવે છે. સુરક્ષા પરિષદમાં ભારતનો આઠમો કાર્યકાળ છે. નરેન્દ્ર મોદી દેશના પ્રથમ વડા પ્રધાન બનેશે કે જેઓ યુએનએસસીની કોઇક બેઠકનું અધ્યક્ષપદ સંભાળશે.
યુએનએસસીની કમાન એક મહિના માટે ભારતના હાથમાં
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કમાન પહેલી ઓગસ્ટથી એક મહિના માટે ભારતના હાથમાં આવી જશે. આ મહિના દરમિયાન ભારત સમુદ્રી સુરક્ષા, શાંતિ સ્થાપનાની કવાયત કરવા તથા આતંકવાદ ઉપર આકરો પ્રહાર કરવાની તૈયારી કરીને બેઠું છે. યુએન અધ્યક્ષના કાર્યાલય અનુસાર ભારતના રાજદૂતએ યુએન મહાસભાના પ્રમુખને ભારતની અધ્યક્ષતા દરમિયાન થનારી મુખ્ય કામગીરીથી સૂચિત કર્યા હતાં. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી રાજદૂતએ ૧૫ રાષ્ટ્રોના શક્તિશાળી સંયુક્ત રાષ્ટ્રની બોડીની ભારત દ્વારા અધ્યક્ષતા સંભાળવામાં આવતા અગાઉ જણાવ્યું હતું કે ભારત માટે કામકાજનો પ્રથમ દિવસ સોમવારે બીજી ઓગસ્ટે રહેશે. પોતાની અધ્યક્ષતા દરમિયાન ભારત સમુદ્રી સુરક્ષા, શાંતિની રક્ષા અને આતંકવાદને રોકવા જેવા વિષયો ઉપર ધ્યાન આપશે અને આ મુદ્દા પર યોજાનારા કાર્યક્રમોની અધ્યક્ષતા કરશે અને આ મુદ્દે મજબૂત વ્યૂહરચના બનાવવા પર ભાર આપશે.