વડોદરા: સોખડા હરિધામ મંદિરના સંત પૂ. હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વર દેહ ૧ ઓગસ્ટના પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો. લાખો ભક્તોએ ચોધાર આંસુએ હરિપ્રસાદ સ્વામીજીને વિદાય આપી હતી.
લાખો ભક્તો અંતિમદર્શન કરી શકે તે માટે છેલ્લા ૬ દિવસથી ખાસ વૈજ્ઞાનિક પધ્ધતિથી સ્વામીજીના પાર્થિવ દેહને સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. દરમિયાન અંત્યેષ્ટી વિધિ આમંત્રિત કરાયેલા પાંચ વેદ નિષ્ણાંત બ્રાહ્મણોએ યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્ત અનુસાર અનુષ્ઠાનો કરાવ્યા હતા.
આ અનુષ્ઠાનો પૂર્ણ થયા બાદ હરિપ્રસાદ સ્વામીજીના દેહને ખાસ તૈયાર કરવામાં આવેલી પાલખીમાં પધરાવવામાં આવ્યો હતો. બપોરે ૧૨ વાગ્યે મંદિર પટાંગણમાં હરિપ્રસાદ સ્વામીજીની પાલખીયાત્રા નીકળી હતી. 'સ્વામીનારાયણ...નારાયણ, નારાયણ, નારાયણ' મંત્રજાપ વચ્ચે સ્વામીજીની પાલખીને મંદિરની પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી અને આશરે અઢી વાગ્યાના અરસામાં પાલખી મંદિર સન્મુખ પહોંચી હતી જ્યાં મંત્રજાપ સાથે સ્વામીજીના દેહને ગુરૂ પરંપરાના દર્શન કરાવવામાં આવ્યા હતા. પુરૃષસૂક્તના ગાન વચ્ચે ચંદન, કેર, ઉમરો, પીપળો, સેવન અને લીમડાના કાષ્ઠથી તૈયાર કરવામાં આવેલી ચિતા ઉપર સ્વામીજીના દેહને પધરાવવામાં આવ્યો. સોખડા હરિધામ મંદિરના પ્રેમસ્વરૂપદાસજી, પ્રબોધજીવન સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી સહિતના વરિષ્ઠ સંતોએ અખંડ દીપથી મુખાગ્નિ આપીને હરિપ્રસાદ સ્વામીજીના અગ્નિસંસ્કાર કર્યા હતા. હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થતો જોઇને મંદિરમાં હાજર ઉપરાંત દેશ વિદેશમાં અંતિમક્રિયા ઓનલાઇન નિહાળી રહેલા ભક્તો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ખાસ હાજરી આપી હતી અને હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કર્યા હતા. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ આપતા હતું કે, હું ગુજરાતની સાડા છ કરોડની જનતા વતી તેમને શ્રદ્ધાંજલિ અર્પુ છું. તેમના આશીર્વાદ આપણા પર સતત વરસતા રહેશે તેવી મને શ્રદ્ધા છે.
ડ્રોન દ્વારા પાલખીયાત્ર પર સતત પુષ્પવર્ષા થતી રહી
પૂ. હરિપ્રસાદ સ્વામીજીની અંત્યેષ્ટિ થઇ તે પહેલા મંદિર પરિસરમાં ખાસ તૈયાર કરવામાં આવેલી પાલખીમાં તેઓને બિરાજમાન કરાવીને મંદિરની બે વખત પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી. પાલખીયાત્રા દરમિયાન હજારો ભક્તો દ્વારા સતત સ્વામીનારાયણ મંત્રનો જાપ થઇ રહ્યો હતો ઉપરાંત ડ્રોન દ્વારા પાલખીયાત્રા ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
યોગી ડિવાઇન સોસાયટીનું નેતૃત્વ હવે પ્રેમસ્વરૂપ સ્વામીજી કરશે
યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજી મહારાજની અંતિમ સંસ્કારની વિધિ પૂરી થયા બાદ અનુપમ મિશનના અધ્યક્ષ જશભાઈ સાહેબજી દ્વારા પ્રેમસ્વરૂપ સ્વામીના નેતૃત્વ હેઠળ યોગી ડિવાઈન સોસાયટીની જવાબદારી નિભાવવા માટે પ્રબોધજીવન સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, સંત વલ્લભ સ્વામી, સેક્રેટરી અશોકભાઈ પટેલ અને વિઠ્ઠલદાસ પટેલ (ફુવાજી)ની કમિટીની રચના કરવામાં આવી હોવાની પણ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત બાદ હરિભક્તોએ તાળીઓ પાડીને આ નિર્ણયને વધાવી જયઘોષ કર્યો હતો.