અમદાવાદ: ગુજરાતનાં ગૌરવસમી હેરિટેજ સાઇટને આજે વૈશ્વિક હેરિટેજનો દરજ્જો મળતાં સૌથી વધુ ખુશી પદ્મશ્રી ડો. આર. એસ. બિસ્ટને થઇ છે. કેમ કે તેમનાં જ વડપણ હેઠળ ૧૯૯૦થી લઇને ૨૦૦૫ દરમિયાન ધોળાવીરામાં ખોદકામ કરીને હડપ્પીય સંસ્કૃતિનાં આધુનિક નગર ધોળાવીરાની શોધ કરવામાં આવી હતી.
ડો. બિસ્ટે કહ્યું હતું કે, દેશ અને મારા માટે આ ગૌરવની વાત છે. ૧૯૮૫માં આર્કિયોલોજિસ્ટ તરીકે મારું ગુજરાતમાં પોસ્ટિંગ થયું ત્યારે અમે ગુજરાતનાં મોન્યુમેન્ટ્સ જોવા માટેની એક ટુર ગોઠવી હતી. જેમાં પાંચેક દિવસે અમે ધોળાવીરા પહોંચ્યા હતાં. ત્યાંની સાઇટ જોઇને મેં બાકીની ટુર કેન્સલ કરીને ત્યાં જ ડેરા તંબુ નાંખ્યા હતાં. દોરડું મંગાવીને માપ લેવાનું શરૂ કરતાં ખ્યાલ આવ્યો કે આ નગર જેટલું ટેકરા પર છે તેટલું જ જમીનમાં છે અને તેની ફરતે કિલ્લેબંધી પણ છે. આ નગરનું ટાઉન પ્લાનિંગ એટલું મજબૂત હતું કે ત્યાં દરેક સ્થળ યોગ્ય મેથેમેટીક્સ અને ચોક્સાઇનાં ઉપયોગનું ભાન કરાવતું હતું. ત્યાર બાદ ૧૯૯૦માં અમને તેને ખોદવાની પરવાનગી મળી જે ૧૫ વર્ષ સુધી ચાલી.
કોટડા ટીંબાને ધોળાવીરા નામ અપાયું: સરપંચ
ધોળાવીરા નગર જ્યાં હતું તે સ્થળ કોટડા ટીંબા (ટેકરા પરનો કોટ) તરીકે જાણીતું હતું. બાદમાં નજીકનાં ગામ ધોળાવીરાનું નામ અપાયું. સરપંચ ઝીલુભા સોઢાએ જણાવ્યું હતું કે, અમારા પૂર્વજો પાકિસ્તાનનાં અમરકોટથી ૪૫૦ વર્ષ પહેલાં આવી વસ્યા હતાં. અહીં નજીકની બેંક અને એટીએમ,પેટ્રોલ પંપ માટે ૮૦ કિમી દૂર રાપર જવું પડે છે. સરકારે શરૂ કરેલી તોરણ હોટલ પણ ૫-૭ વર્ષથી બંધ છે.
હવે ધોળાવીરા બનશે નવું ટુરિઝમ હોટસ્પોટ
‘મોડર્ન ટાઉન પ્લાનિંગ’ માટે જાણીતી સિંધુ ખીણની સંસ્કૃતિના મહત્વના પ્રાચીન શહેર ધોળાવીરાના હવે અચ્છે દિન આવશે. ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. જોકે, પ્રવાસીઓ ધોળાવીરા કે અમદાવાદ નજીકના લોથલની મુલાકાતે ઓછા પ્રમાણમાં જાય છે. વર્ષ માત્ર ૮થી ૧૦ હજાર પ્રવાસીઓ જ ધોળાવીરાની મુલાકાત લે છે. એક હજાર પ્રવાસીઓ પણ મુલાકાત લેતા નથી. જાણકારોના મતે, વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેરાત થયા બાદ ટ્રાન્સપોર્ટેશન રહેલા-જમવાની સુવિધાઓ વધશે તેને કારણે ધોળાવીરા આગામી દિવાળીનું ટુરિઝમ હોટસ્પોટ્ બની રહેશે. ધોળાવીરા ભચાઉથી ૧૫૦ કિં.મી. જ્યારે ભુજથી ૨૨૦ કિં.મીના અંતરે ખડીરના રણકાંધીમાં સ્થિત છે. રણ ઉત્સવના સમય જ્યારે લોકો કચ્છ આવતા હોય છે. ત્યારે જ એમાંથી કેટલાક લોકો ધોળાવીરા આવે છે. ખડીર બેટ આસપાસ ૩ રિસોર્ટસ છે. હોમ સ્ટેની સુવિધા છે. પણ મોટેભાગે પ્રવાસી રાત્રિ રોકાણ પસંદ કરતા નથી.