ગાંધીનગરઃ સેલ્ફીબાજી, વોટ્સએપ ગ્રુપોમાં ફોટા ફરતા કરીને ‘મેં કર્યું મેં કર્યું’ના ખેલ કર્યા કરતા ભાજપના નેતાઓને હવે નાગરિકો સ્વયં ઉઘાડા પાડી રહ્યાં છે. સાંસદ પરબત પટેલે નામે ૩ દિવસ અગાઉ રૂ.૧૦ લાખના ખર્ચે થરાદ કોર્મસ કોલેજમાં ઓક્સિજન સાથે ૧૦૦ બેડની હોસ્પિટલ શરૂ કર્યાની જાહેરાત કર્યા બાદ મંગળવારે સ્થાનિક નાગરિકોએ કોલેજમાં જઈને તપાસ કરતા ત્યાં એક પણ દર્દી, ડોક્ટર, નર્સ તો દૂર પણ ઓક્સિજન સપ્લાયની એક લાઈન પણ જોવા મળી નથી.
બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે ૧૦ લાખના ખર્ચે કોલેજમાં હોસ્પિટલ શરૂ કર્યાના મેસેજીસ વાઈરલ કર્યો હતો. જેથી અનેક ચેપગ્રસ્તોએ ત્યાં દાખલ થવા પહોંચવાનું શરૂ કરતા નિરાશા સાંપડતા સ્થાનિક નાગરિકોએ કોલેજમાં એકેક રૂમમાં ફરીને તેનો વીડિયો ઉતારીને ૪ દિવસથી ચાલતા જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
બનાસકાંઠા કલેક્ટર તંત્ર તરફથી થરાદની કોલેજમાં ઓક્સિજનની ફેસેલિટી થાય તેમ ન હોવાથી નજીકની રેફરલ હોસ્પિટલમાં ૫૫ ઓક્સિજન બેડ સાથે કોવિડ-૧૯ના દર્દીઓ માટે વ્યવસ્થા કરવાનો બચાવ થઈ રહ્યો છે.