માંડવીઃ મસ્કત ઓમાનમાં ગુજરાતી અને કચ્છી ઉદ્યોગપતિની નામના ધરાવતી ખીમજી રામદાસ ગ્રૂપ ઓફ કંપનીના ડાયરેક્ટરને ઓમાનના સુલતાન દ્વારા ઓમાનના હિન્દુ શેખનું બિરૂદ અપાતાં વિદેશમાં ગુજરાતનું કદ વધ્યું છે. ઓમાનમાં રાજ પરિવાર સાથે વિશેષ ઘરોબો ધરાવતા ખીમજી રામદાસ ગ્રૂપના મોભી કનકશી ગોકળદાસ ખીમજીને પ્રથમ વખત હિન્દુ શેખની પદવી અપાતાં તેઓ ભારતના પ્રથમ હિન્દુ શેખ બન્યા હતા. ગત ૧૮ ફેબ્રુઆરીના તેમનું અવસાન થતાં તેમના સ્થાને અનુગામી તરીકે અનિલ ખીમજીની પસંદગી કરી ૨૫ એપ્રિલના શેખનું બિરૂદ આપવામાં આવ્યું હતું.
અનિલભાઇ નાની ઉંમરમાં મસ્કતમાં પેટ્રોલ પંપ પર ગાડીમાં પેટ્રોલ પૂરતા હોય તેવો ફોટો તેમની મસ્કતની ઓફિસમાં લગાવ્યો છે. સાદગીથી જીવતા અને વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા હોઇ તેમણે દાન-પુણ્યના કાર્યોમાં ઓમાનમાં પણ નામના મેળવી છે. કનકશીભાઇ ખીમજીની વિદાય બાદ તેમના પુરોગામી કે.આર. ગ્રૂપના ડાયરેક્ટર અનિલભાઇ, કનકશીએ કંડારેલા રસ્તા પર ચાલીને લોકોને કાયમ મદદરૂપ થવાના પ્રયત્નો કરવાનો કોલ આપ્યો હતો.