કાળાબજાર કરતા બે ડોક્ટરને કોવિડ હોસ્પિટલમાં ડ્યુટીની સજા

Wednesday 05th May 2021 08:14 EDT
 
 

સુરતઃ પોલીસને શહેરના લાલગેટ ચાર રસ્તા પાસે કેટલાક ઇસમો રેમડેસિવિર ઇન્જેક્શનનાં કાળાબજાર કરતા હોવાની માહિતી મળી હતી, જેના આધારે વોચ ગોઠવીને ચાર ઇસમોને ઝડપી પાડયા હતા તેમજ એક ઈસમ ફરાર હતો. તેમની પાસેથી ત્રણ રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યાં હતાં. તેઓ એક - એક ઇન્જેક્શન રૂ. ૧૩થી ૧૪ હજારમાં વેચતા હતા. ઝડપાયેલા આરોપી સામે કોર્ટે પણ ઉદાહરણરૂપ સજા ફટકારી હતી.
કોર્ટે ડૉ. હિતેશ ડાભી અને ડૉ. સાહિલ ઘોઘારીને પંદર દિવસ સુધી સુરત હોસ્પિટલમાં સેવા કરવા આદેશ કર્યો છે. જેના પગલે બન્ને ડોક્ટર સિવિલમાં સેવા માટે પહોંચી ગયા હતો.
નવી સિવિલ હોસ્પિટલના સીએમને કોર્ટે જાણ કરી છે કે આ બંને ડોક્ટરોને તમને યોગ્ય લાગે તે કામગીરી સોંપી શકાશે તેમજ ૧૫ દિવસ સુધી તેમની હાજરી નોંધવાની રહેશે. તેમણે ૧૫ દિવસ દરમિયાન કરેલી કામગીરીનો રિપોર્ટ તૈયાર કરીને કોર્ટને સોંપવાનો રહેશે. RTE કોર્ટ દ્વારા બન્ને આરોપી ડોક્ટરોને રૂપિયા ૧૫૦૦૦ના બોન્ડ જમા કરાવવા માટે આદેશ કર્યો છે, સાથે સાથે કેટલીક મહત્ત્વની શરતો પણ કરવામાં આવી છે. ૧૫ દિવસ દરમિયાન તેઓ ગુજરાતની બહાર જઈ શકશે નહીં .


comments powered by Disqus