કોરોના મહામારીને નાથવા ભારત સરકાર તાત્કાલિક લોકડાઉન લાદે : ડો. ફૌસી

Wednesday 05th May 2021 09:14 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાત અને વ્હાઇટ હાઉસના ચીફ મેડિકલ એડવાઇઝર ડો. એન્થની ફૌસીએ કોરોનાના સેકન્ડ વેવને કાબુમાં લેવા માટે ભારત સરકારને યુદ્ધના ધોરણે પગલાં લેવાની સલાહ આપી છે. ડો. ફૌસીએ ૩ તાત્કાલિક લેવા જેવા પગલાંની ભલામણ કરતાં જણાવ્યું હતું કે, ભારત સરકારે તાત્કાલિક થોડા સપ્તાહ માટે દેશભરમાં આકરું લોકડાઉન લાદી દેવું જોઇએ, ચીનની જેમ ઇમર્જન્સી હોસ્પિટલો ઊભી કરવી જોઇએ અને તમામ કાર્યવાહી માટે એક કેન્દ્રીય વ્યવસ્થા ગોઠવવી જોઇએ. ભારતની સરકારે ઉતાવળ કરીને કોરોના વાઇરસ સામેની લડાઇમાં પોતાને વિજયી ઘોષિત કરી દીધી હતી.
એક ભારતીય અખબારને આપેલી મુલાકાતમાં ડો. ફૌસીએ જણાવ્યું હતું કે, ભારતમાં અત્યારે અત્યંત મુશ્કેલ અને હતાશ કરનારી સ્થિતિ પ્રવર્તી રહી છે. ભારત સરકારે તાત્કાલિક આખો દેશ બંધ કરી દેવો જોઇએ અને ઓક્સિજન, મેડિકલ સપ્લાય, દવાઓ, પીપીઇ કિટ મેળવવાનું શરૂ કરી દેવું જોઇએ. આ બધુ કરતાં પહેલાં આખો દેશ બંધ કરી દેવો પડશે. ડો. ફૌસીએ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં ચીનમાં કોરોના સંક્રમણનો વિસ્ફોટ થયો ત્યારે તેમણે સંપુર્ણ લોકડાઉન લગાવી દીધું હતું. તમારે ૬ મહિના સુધી લોકડાઉન કરવાની જરૂર નથી. તમે કોરોનાની સાઇકલ તૂટે ત્યાં સુધી હંગામી ધોરણે લોકડાઉન કરી શકો છો.
ડો. ફૌસીએ ભારતમાં કોરોના રસીકરણ કરવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રસીકરણથી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવી જવાનો નથી પરંતુ થોડા સમય બાદ તેના સારા પરિણામો મળતાં થઇ જશે. વધુ લોકો સંક્રમિત થતાં અટકી જશે.

ભારતમાં કોરોનાના સેકન્ડ વેવનું પીક આવવામાં હજુ સમય લાગશે : અમેરિકા

અમેરિકાના વિદેશ વિભાગના અધિકારી ગાયલ સ્મિથએ જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ અત્યંત ગંભીર છે. દેશમાં દરરોજ કોરોનાના કેસમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે. હજુ ભારતમાં કોરોનાના સેકન્ડ વેવનું પીક આવ્યું નથી. હાલની સ્થિતિ પર ચોક્કસ ધ્યાન કેનદ્રીત કરવાની જરૂર છે. તેથી જ અમે ભારતને તાત્કાલિક મેડિકલ સહાય મોકલી રહ્યાં છીએ.

ભારતની સ્થિતિ દયનીય, અમેરિકા તમામ પ્રકારની મદદ માટે પ્રતિબદ્ધ : કમલા હેરિસ

અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના મહામારીની સ્થિતિ દયનીય છે. અમેરિકા ભારતને તમામ પ્રકારની મદદ કરવા પ્રતિબદ્ધ છે. ભારતમાં જે રીતે મોત થઇ રહ્યાં છે તે એક મહાન કરૂણાંતિકા છે તેમાં કોઇ શંકા નથી. અમેરિકા ભારતીય જનતાને મદદ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. અમે ભારતને તમામ પ્રકારની મેડિકલ સહાય આપી રહ્યાં છીએ.


comments powered by Disqus