અમદાવાદઃ ધન્વંતરિ હોસ્પિટલમાં એડમિશન માટે શરૂ કરવામાં આવેલી ટોકન પ્રથાને કારણે હોસ્પિટલના દરવાજે જ વધુ એક દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાત્રે ૯ વાગ્યાની આસપાસ આવેલા ચારેય દર્દીનું ઓક્સિજન લેવલ ખૂબ ઓછું હતું છતાં દાખલ ન કરાતાં એક દર્દીનું મૃત્યુ થયું હતું.
બીજી તરફ ગંભીર દર્દીને રજિસ્ટ્રેશન અને ટોકન બાદ જ દાખલ કરવાનો નિયમ બનાવાતાં દર્દીનાં સગાં પણ રોષે ભરાયા છે. ગુરુવારે એક દર્દી રિક્ષામાં તેની માતાને લઈને આવ્યો હતો પણ ટોકન ન હોવાને કારણે તેને દાખલ કરવાની ના પાડી દેવાતાં પુત્રએ બેરિકેડ પર રિક્ષા ચઢાવી અંદર ઘૂસવાનો પ્રયાસ કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આમાં સૌથી કફોડી હાલત કોરોનાથી પીડાતી માતાની થઈ હતી. ગુરુવારે પણ જીએમડીસી ખાતેની હોસ્પિટલના દરવાજેથી સંખ્યાબંધ દર્દીઓએ પાછા જવું પડ્યું હતું.