ડીસાઃ બનાસકાંઠાના વ્યાપારીમથક ડીસામાં એક જ સપ્તાહમાં ઓક્સિજનના અભાવે કોરોનાના વધુ પાંચ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર ડિસામાં આવેલી સિવિલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલાં પાંચ દર્દીઓના ઓક્સિજનનો પુરતો સપ્લાય નહીં મળવાને કારણે મોત નિપજ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે ડીસા શહેરમાં આવેલા હેત આઈ.સી.યુ.માં ઓક્સજનનું લેવલ ઘટી જતાં પાંચ દર્દીઓનાં મોત થયાં હતાં. સૂત્રોએ મૃત્યુ પામનારાઓનો બિનસત્તાવાર આંક વધુ હોવાની આશંકા વ્યક્ત કરી છે. એક સાથે પાંચ દર્દીઓના મૃત્યુના સમાચાર વાયુવેગે સમગ્ર શહેરમાં પ્રસરી જતાં મૃતકોના સ્વજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. તેમના મતે હોસ્પિટલના સ્ટાફની બેદરકારીને લીધે આ તમામ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે આ ઘટના માટે જવાબદાર હોસ્પિટલના સત્તાવાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી માટે માગ કરી હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસના આગમન બાદ હોસ્પિટલના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતાં. ડીસા સિવિલમાં કોરોનાના દર્દીઓના ટપોટપ મુત્યુ થતાં સરકાર અને વહીવટી તંત્રના દાવા પોકળ સાબિત થતાં પોલ ખૂલી જવા પામી હતી. ડીસા શહેરમાં બનેલી આવી બીજી ઘટનાથી ભયનો માહોલ જોવા મળી રહ્યા છે સરકારના અનેક દાવાઓ કાગળ ઉપર હોય તેવું દેખાય છે.