તળેટી ગામે ગ્રામજનોએ કોરોના સંક્રમણથી બચવા સ્વખર્ચે કોવિડ સેન્ટર શરૂ કર્યું

Wednesday 05th May 2021 07:59 EDT
 
 

મહેસાણા: મહેસાણાને અડીને આવેલું તળેટી ગામ કોરોનાને લઇ એકદમ સાવધ છે. કોરોનાથી પહેલી વ્યક્તિનું મૃત્યુ થતાં જ ચેતી ગયેલા ગામે ટ્રીપલ ટી એટલે કે ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ અને ટ્રેસિંગ પર કામ શરૂ કરી દીધું. કોરોનાના નાશ માટે નાસ કેન્દ્ર બનાવ્યું, તો ઓક્સિજનની તંગી વચ્ચે કોઇનો જીવ ન જાય તે માટે પ્રાથમિક શાળામાં જ 5 ઓક્સિજન બેડ સાથે કોવિડ કેર સેન્ટર ઊભું કરી દીધું. પરિણામ સ્વરૂપ છેલ્લા મહિનામાં સંક્રમિત થયેલા તમામ ૧૫લોકો આજે સ્વસ્થ છે.
આટલેથી નહીં અટકતાં હવે કોરોના સંક્રમિતોને શોધવા ગામમાં જ ટેસ્ટિંગ શરૂ કરાયું છે અને તમામ મોનિટરિંગ ગામના ૨૦ યુવકોની ટીમ કરી રહી છે. નાસ કેન્દ્રમાં ૮૦ લિટર પાણી તપેલામાં ભરીને તેમાં 30 જેટલી ઔષધિઓ નાંખી ઉકાળીએ છીએ. સવારે ૯ થી ૧૨ અને સાંજે ૫ થી ૭માં લોકો નાસ લઇ રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં શહેરોને સમાંતર ગામડાંમાં પણ કોરોના સંક્રમણ પ્રસરી ચૂક્યું છે, ત્યારે સરકારે ૧લી મે ગુજરાત સ્થાપના દિવસથી રાજ્યમાં કોરોના મહામારીને નાથવા મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન શરૂ કર્યુ છે, ત્યારે તળેટી ગામ પહેલાંથી જ ગામમાં જરૂરી સુવિધા ઊભી કરી ચૂક્યું છે.
કોરોનાના નવા કેસ શોધવા ગામમાં જ કેમ્પ કરાયો
કોરોનાથી બચવા ડૉક્ટરો નાસ લેવા સૂચન કરે છે, ત્યારે ગામલોકોને એક જ જગ્યાએ આ સુવિધા મળી રહે તે માટે નાસ કેન્દ્ર બનાવી ૩૦ જેટલી ઔષધીઓનો ઉપયોગ કરી ખાસ કેબિનમાં નાસ લઇ શકાય તેવી વ્યવસ્થા કરાઇ છે. ૪૫ થી ૮૦ વર્ષ સુધીના ૮૫ ટકા લોકોનું રસીકરણ પૂરું થઇ ચૂક્યું છે. નવા કેસ શોધવા ગામમાં જ કેમ્પ કરતાં ૪ વ્યક્તિને ચેપ જણાતાં હોમ આઇસોલેટ કરી મોનિટરિંગ કરાઇ રહ્યું છે.


comments powered by Disqus