પાલનપુરના ઇકબાલગઢમાં ઘર બહાર પોસ્ટરઃ ‘કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હશે તો જ પ્રવેશ’

Wednesday 05th May 2021 07:57 EDT
 

પાલનપુરઃ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે હવે ઘર આગળ જાગૃતિના બોર્ડ લગાવવા લાગ્યાં છે, જેમાં મહેમાનોને કોરોનાનો નેગેટિવ રિપોર્ટ સાથે હોય તો જ ઘરમાં પ્રવેશ કરવાનું બોર્ડ લગાવીને અન્ય લોકોને પણ કોરોના મામલે જાગ્રત રહેવા સલાહ આપી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના એનો કહેર વર્તાવી રહ્યો છે. જિલ્લાનાં અનેક ગામોમાં કોરોનાએ મજબૂત પગપેસારો કર્યો છે, જેમાં અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢમાં પ્રવીણભાઈ અગ્રવાલ નામની વ્યક્તિએ તો ઘરમાં મહેમાનોને પ્રવેશવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રવીણભાઈ અગ્રવાલે પોતાની ઘરની બહાર બોર્ડ લગાવ્યું છે જેમાં લખ્યું છે કે કોરોના નેગેટિવ રિપોર્ટ હોય તો જ ઘરમાં પ્રવેશ અપાશે. જેમાં અત્યારે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, જેથી કોઈએ મહેમાનગતિએ આવવું નહીં, કારણ કે અમને અમારા પરિવારની ચિંતા છે અને અત્યંત જરૂરી હોય તો સાથે આરટી-પીસીઆરનો નેગેટિવ રિપોર્ટ સાથે લઈ આવવું, નહીંતર ઘરમાં પ્રવેશ મળશે નહીં. આવી રીતે બોર્ડ મારતાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન પણ થાય છે. બીજી તરફ લોકોને જાગ્રત પણ કરવામાં આવી રહ્યા છે.
કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક નીવડી રહી છે. માત્ર મહાનગરો કે શહેરો પુરતી સીમિત ન રહેતા આ મહામારી ગામડાંઓમાં પણ પ્રવેશી ચુકી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાથી બચવા નીતનવા નુસખાઓ દ્વારા લોકો કોરોનાથી બચવાના પ્રયાશ કરે છે.


comments powered by Disqus