અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સગા કાકી નર્મદાબેન મોદીનું કોરોનાની સારવાર દરમિયાન મંગળવારે સિવિલ હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું છે. ૮૦ વર્ષના નર્મદાબેન જગજીવનદાસ મોદીને છેલ્લાં કેટલાંક દિવસથી કોરોના ઈન્ફેક્શનની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નર્મદાબેન તેમના બાળકો સાથે ન્યુ રાણિપમાં રહેતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસને કારણે અમારા કાકી નર્મદાબેનની તબિયત લથડતાં તેમને ૧૦ દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેમણે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા.
નર્મદાબેનના દીકરા રમેશ મોદીએ જણાવ્યું હતું કે, ગત સોમવારે તેમની માતાને ખાનગી એમ્બ્યુલન્સમાં કોરોનાની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ તેમને કોરોના માઈલ્ડ હતો. જોકે, તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેમનું ઓક્સિજન લેવલ ડાઉન થઈ ગયું હતું. નર્મદાબેન સાથે દરરોજ ટેલીફોન પર વાતચીત થતી રહેતી હતી. સિવિલ હોસ્પિટલમાં તેમને સારવાર અપાતી હતી. સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓએ મંગળવારે બપોરે બે વાગ્યે નર્મદાબેને અંતિમ શ્વાસ લીધા હોવા અંગે તેમને જાણકારી આપી હોવાનું રમેશ મોદીએ જણાવ્યું હતું.