પારડીઃ કોરોના મહામારી વચ્ચે પારડી વૈકુંઠધામ સ્મશાનગૃહમાં આવતા મૃતદેહને અગ્નિદાહ આપવાની ફરજ બજાવતા ગૌરવ કમલેશભાઈના લગ્ન બે - ત્રણ દિવસમાં થવાના હતા. તેથી તેમને પીઠી લગાવવામાં આવી હતી. આવી પીઠી ચોળેલી હાલતમાં પણ આ ડાઘુએ સ્મશાનમાં ૩ મૃતદેહને અગ્નિદાહ આપી કોરોના મહામારીમાં ઉમદા ફરજ અદા કરી હતી.
હિન્દુ ધર્મના રીતરિવાજ મુજબ લગ્નની પીઠી લગાડયા બાદ લગ્નનો વરઘોડો નીકળે ત્યાં સુધી વરરાજા ઘરની બહાર નીકળતા નથી. સામાન્ય રીતે શુભ પ્રસંગો હોય તેવા પરિવારો મરણની વિધિમાં પણ જતા નથી. પરંતુ પારડીના યુવાને આ રીતરિવાજોને દૂર રાખીને માનવધર્મ નિભાવ્યો હતો. તેમણે રીતિ રિવાજોને બદલે ૩ મૃતદેહને અગ્નિદાહ આપવાના કાર્યમાં જોતરાવાનો નિર્ણય લઈને પોતાની ફરજ બજાવી હતી. આ યુવાન ગૌરવના પિતા કમલેશભાઈ પલસાણા ગંગાજીમાં આ જ કામ કરે છે. તેમણે પણ આ કપરા કાળમાં પોતાની ફરજ બજાવી હતી.