ભૂજઃ દેશની મોટાભાગની સરહદો સાથે બીએસએફ કચ્છમાં પણ સતત ભારત-પાક બોર્ડર પર ક્રીક અને દલદલભર્યા કઠિન વિસ્તારોમાં સતત ફરજ બજાવી રહી છે. એકતરફ દેશભરમાં કોરોના વાઇરસના કેસ દિવસે દિવસ વધી રહ્યા છે અને શહેર અને ગામડામાં લોકો પણ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક વગર ફરી રહ્યા છે, ત્યારે બીએસએફના જવાનો નિર્જન વિસ્તારોમાં પણ કોવિડ પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરી રહ્યા છે સાથે દેશની સરહદો સાચવી રહ્યા છે.
કચ્છમાં કેટલાક સરહદી વિસ્તારોમાં લોખંડની ફેન્સીંગ છે, બાકીના સીમા વિસ્તારોમાં ક્રીક, દલદલમાં બીએસએફ જવાન રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલુ રાખે છે. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવી પોતાને સુરક્ષિત કરે છે અને સાથોસાથ દેશ પ્રત્યે સુરક્ષાની ફરજ પણ બજાવે છે. આજે જયારે કોરોનાના હાહાકાર વચ્ચે લોકોમાં ડર છે ત્યારે બીએસએફના જવાનોએ હિંમત ગુમાવી નથી. બીએસએફ જવાન દિવસ-રાત કચ્છના દરિયા, દલદલ અને અફાટ રણની સીમાઓ પર બાજ નજર રાખે છે. રાત-દિવસ પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીની આશંકાઓ વચ્ચે સીમા સુરક્ષા બળ સતત એલર્ટ રહે છે.