મોરવાહડફઃ પંચમહાલ જિલ્લાની મોરવાહડફ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીમાં ભાજપે કબ્જે કરી છે. ભાજપના નિમિષા સુથાર ૪૫૪૩૨ મતોની લીડથી વિજયી બન્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ પોતાની હાર સ્વીકારી હતી અને કોરોનાને લીધે મતદાન ઓછું થતા હાર થઈ હોવાનું જણાવ્યું હતું. પંચમહાલ જિલ્લાની મોરવાહડફ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ ચોથી વખત થયેલી ચૂંટણીમાં બીજી વખત આ બેઠક ભાજપે કબ્જે કરી છે. મોરવાહડફ બેઠક પર ૨૦૧૭ની સામાન્ય ચૂંટણીમાં વિજેતા બનેલા અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું અવસાન થયા બાદ પેટા ચૂંટણી જાહેર થઈ હતી. આ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ગત ૧૭ એપ્રિલના રોજ યોજાયેલા મતદાનની આજે ગણતરી યોજવામાં આવી હતી.
મોરવાહડફની સરકારી વિનયન કોલેજ ખાતે યોજવામાં આવેલી મતગણતરીમાં ૨૪ રાઉન્ડ મુજબ ઇવીએમના મતોની યોજાયેલી મતગણતરીમાં ભાજપના નિમિષા સુથારને ૬૭૧૦૧ અને કોંગ્રેસના સુરેશ કટારાને ૨૧૬૬૯ મતો મળ્યા હતા. આમ ભાજપના મહિલા ઉમેદવાર નિમિષા સુથારનો ૪૫૪૩૨ મતોની લીડથી વિજય થયો હતો.