અમદાવાદઃ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં હોટલ હયાતમાંથી પોલીસે નકલી રેમડેસિવિર ઈન્જેક્શનનો વેપલો કરતા સાત શખસોને પકડી પાડયા છે. આ તત્ત્વો રેમડેસિવિરની જગ્યાએ ટેટ્રાસાઇકલીનનું રૂ.૧૦૦નું ઈન્જેક્શનના રૂ.૨૦ હજાર દર્દીના સગાઓની મજબૂરીનો લાભ લઇને વસૂલતા હતા. ચાંદખેડા ખાતે સનપ્રિત નામની વ્યક્તિ જય ઠાકુરને ઇન્જેક્શન આપવા આવવાનો છે તેવી બાતમીના આધારે ટ્રેપ ગોઠવી બંનેને ઝડપી લીધા હતા. તેમની પાસેથી હેટ્રો કંપનીના ૨૦ ઇન્જેક્શન મળ્યાં હતા. આ ઈન્જેક્શન સનપ્રિત પાલડીમાં રહેતા તેના મિત્ર રાજ વોરા પાસેથી લાવ્યો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચે રાજ વોરાના ઘરે તપાસ કરતાં ૧૦ ઇન્જેક્શન મળ્યા હતા. કુલ ૩૦ ઇન્જેક્શન બાબતે પૂછપરછ કરતાં નરોડામાં રહેતા નિતેશ જોશી પાસેથી રૂ.૧૨,૦૦૦ના ભાવે ઇન્જેક્શન લીધાં હતાં. રાજે નિતેશ વસ્ત્રાપુરની હયાત હોટલના રૂમ નં.૧૫૦૯માં રોકાયો હોવાનું કહેતા પોલીસે હોટલ હયાતમાંથી નિતેશ જોશી અને તેનો મિત્ર શક્તિસિંહને પકડયા હતા. તપાસ કરતા ૧૦૩ ઇન્જેક્શન મળી આવ્યાં હતાં અને તેના વેચાણથી આવેલા રૂ. ૨૧ લાખ મળ્યા હતા. ઇન્જેક્શન વડોદરામાં રહેતા વિવેક મહેશ્વરી પાસેથી લીધા હોવાનો પર્દાફાશ ક્રાઇમબ્રાંચે કર્યો છે.
કોરોના સમયે હિતેશ, દિશાત અને વિવેક નાની-મોટી વસ્તુ વેચવા માટે સંપર્કમાં આવ્યા હતા પણ આ વખતે તેમણે ૫,૦૦૦થી વધુ લોકોનો જીવ દાવ પર લગાવી દીધો છે. તેમણે ટેટ્રાસાઇકલીન ઈન્જેક્શન રૂ.૧૦૦માં ખરીદીને તેના પર રાયપુરમાં રેમડેસિવિર ઈન્જેકશનના સ્ટીકર બનાવ્યા હતા. એ બાદ હયાત હોટલમાં રોકાઈને આ જોખમી ઇન્જેક્શનનો સોદો કર્યો હતો.