વડોદરાઃ અલકાપુરી ગરનાળામાં ગયા બુધવારે બપોરે સાડા ચાર વાગે શોર્ટ સક્રિટના કારણે આગ લાગ્યા બાદ ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજનાનો માહોલ છવાઇ ગયો હતો. ગરનાળા ઉપરથી મુંબઇ - અમદાવાદ રેલવે ટ્રેક પસાર થતો હોવાથી ફાયરબ્રિગેડે પ્રથમ વખત રેલવે માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને ફોલો કરી તમામ બાજુથી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી અને આગ બુઝાવી નાખી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દસ કી.મી. દુરથી આગના ધુમાડા લોકોએ જોયા હતા. સદનસીબે આગના કારણે કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી અને સલામતીના કારણોસર ૭ ટ્રેન ૨૦ મિનિટ અટકાવી દેવાઇ હતી. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું જણાયું હતું.
ગરનાળામાં આગ લાગતા ગરનાળામાંથી ગેસ પાઇપ લાઇન પસાર થતી હોવાથી મોટી દુર્ઘટના સર્જાય તેવી સંભાવના ઉભી થતાં સલામતીના કારણોસર ગેસ પુરવઠો રોકી દેવામાં આવ્યો હતો, જેના કારણે એક કલાકથી વધુ લોકોને ચાર કલાક સુધી ગેસ પુરવઠો મળી શક્યો ન હતો. જોકે, મોડી સાંજે ફરી ગેસ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું હતું.
આ બનાવ અંગે ડીઆરએમ અમીતકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં બુલેટ ટ્રેનની કામગીરી પણ થવાની છે ત્યારે આવી દુર્ઘટના ફરી ન સર્જાય તે માટે રેલવે દ્વારા અભ્યાસ કરીને જરૂરી પગલા ભરવામાં આવશે.