સુરતમાંથી નકલી રેમડેસિવિરની ફેક્ટરી ઝડપાઈઃ ૬૦,૦૦૦ ઇન્જેક્શન મળ્યાં

Wednesday 05th May 2021 08:02 EDT
 
 

સુરતઃ શહેરમાંથી નકલી રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો. મોરબીમાંથી નકલી રેમડેસિવિર ઈન્જેક્શન સાથે બે શખ્સો ઝડપાયા બાદ તેનો છેડો વાયા અમદાવાદ થઈને સુરત સુધી લંબાયો હતો. પોલીસે સુરતમાં દરોડો પાડી નકલી રેમડેસિવિર બનાવવાની ફેક્ટરી ઝડપી લીધી હતી. ત્યાંથી ૬૦ હજાર ઈન્જેક્શનોનો જંગી જથ્થો મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે રૂ. ૯૦ લાખની રોકડ સાથે રૂ.ર.૭૩ કરોડના મુદ્દામાલ સાથે ૬ આરોપીઓની ધરપકડ કરી હતી.. સૌથી મોટો ઘટ્ટસ્ફોટ એ થયો છે કે આ કૌભાંડી તત્વો ગ્લુકોઝ અને મીઠામાંથી રેમડેસિવિર બનાવતા હતા અને અત્યાર સુધીમાં પાંચ હજાર નકલી ઈન્જેક્શન તો તેમણે બજારમાં ઉંચા ભાવે વેચી દીધા છે. ત્યારે આવા ઈન્જેક્શન ખરીદીને જે દર્દીને અપાયા હશે તે દર્દીની શું હાલત થઈ હશે તે કલ્પના જ દુષ્કર છે.
મોરબીના શક્તિ ચેમ્બર-૨ પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બર-૩ ઓમ એન્ટિક ઝોન નામની ઓફિસમાં નકલી રેમડેસિવિરનો કાળો કારોબાર ચાલતો હોવાની બાતમીના આધારે એલસીબીએ રેડ કરી હતી. જેમાં પોલીસે રાહુલ અશ્વિન કોટેચા અને મનોજ હીરાણીને ૪૧ નંગ રેમડેસિવિર ઇન્જેક્શન અને રૂ. ૨.૧૫ લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા. જેમની વધુ પૂછપરછ કરતા આ રેમડેસિવિર ઈન્જેક્શન નકલી હોવાનું અને તે અમદાવાદથી મેળવતા હોવાની કબૂલાત કરી હતી. આથી એલસીબીની એક ટીમે અમદાવાદ પહોંચીને જુહાપુરામાંથી મહમદ આશીમ ઉર્ફે મહમદ આશીફ મહમદ અબ્બાસ પટણી અને રમીઝ સૈયદહોન કાદરી (રહે. જુહાપુરા વેજલપુર રોડ, શરીફબાદ સોસાયટી) નામના બે આરોપીને ૧૧૭૦ નંગ નકલી રેમડેસિવિર ઇન્જેક્શન અને રોકડા રૂપિયા ૧૭.૩૭ લાખ સાથે ઝડપી લીધા હતા.
આ ઇન્જેક્શન તેઓ ક્યાંથી લાવતા હતા તે અંગે કડક પુછપરછ કરતાં કૌભાંડનું મૂળ સુરતમાં હોવાનું ખુલ્યું હતું. નકલી રેમડેસિવિર ઈન્જેક્શન સુરતમાં જ બનાવવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસની એક ટીમ તુરંત જ સુરત પહોંચી ગઈ હતી અને સુરતના પિંજરતના રોયલ વિલા ફાર્મહાઉસમાં જ્યારે દરોડો પાડયો ત્યારે ત્યાંનો નજારો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ગ્લુકોઝ અને મીઠાનું મિશ્રણ કરી ઈન્જેક્શન બનાવતા હોવાનું અને ૬૦ હજાર નકલી ઈન્જેક્શનનો જથ્થો મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. ઈન્જેક્શન વેચાણના ૯૦.ર૭ લાખની રોકડ સહિત ર.૭૩ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.


comments powered by Disqus