રાજકોટઃ કોરોનાનો કહેર સાર્વત્રિક વ્યાપી ઉઠ્યો છે, કેસમાં પણ વધઘટ સતત જોવા મળી રહી છે, ત્યારે સાજા થનારા લોકોની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધી રહી છે. આ તકે કોરોનાનો કહેર માત્ર મોટી ઉંમરના લોકોમાં જ નહિ, નાના બાળકોમાં પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને આ પ્રકારના કિસ્સાઓ ખૂબજ ક્રિટિકલ પણ હોય છે. ત્યારે મોરબીના વતની કે જેમની ૭ માસની દીકરી રાજકોટ ખાતે સારવાર લઇ રહી હતી અને ૬ દિવસના અંતે તે સાજી પણ થઇ ગઈ.
સોફિયા નામની બાળકીના પિતાએ જણાવ્યું હતું કે, તેને સતત તાવ, ઊલટી અને ઝાડાની તકલીફ રહેતી હતી, મોરબી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી તો રિપોર્ટમાં કોવિડ હોવાનું સામે આવ્યું. જે સાંભળતાની સાથે જ જીવ તાળવે ચોંટી ગયો હતો અને પ્રશ્ન થતો કે હવે શું થશે.
મોરબી હોસ્પિટલના તબીબોએ પણ અંતમાં કહી દીધું કે, બાળકીની સારવાર થઇ શકે તેમ નથી, અને તે બચી પણ નહીં શકે. ત્યારે હવે શું કરવું તે સૌથી મોટો પ્રશ્ન સામે આવ્યો. પરંતુ આશા રૂપે રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં દેખાડવા માટેનું પરિવારના સભ્યો દ્વારા કહેવામાં આવતા બાળકીની સારવાર શરૂ કરાઈ.
જ્યાં 3 દિવસ બાદ હાલતમાં સુધારો જોવા મળ્યો હતો. આ તકે તબીબ ઋષિ સૂચકે જણાવ્યું હતું કે, જ્યારે બાળકી સારવાર અર્થે આવી ત્યારે તેના લીવર પર સોજો હતો, જે સૌથી ક્રિટિકલ પરિસ્થિતિ હતી, અને રિપોર્ટમાં ફેફસાંમાં ઇન્ફેક્શન અને ડી-ડાઈમર પણ વધુ હતું, ત્યારે સારવાર કરાતા 6 દિવસમાં જ રિકવરી શરૂ થઇ હતી, સામે બાળકીના માતાની તબિયત લથડતા દીકરી પર જોખમ વધ્યું હતું, પરંતુ માતાની તબિયત ગણતરીના દિવસોમાં સારી થતા માતા અને દીકરીને કોવિડમાંથી બચાવી શકવામાં સફળતા મળી હતી.
આગામી દોઢ મહિના માટે બાળકીનું ધ્યાન પૂર્ણતઃ રાખવું પડે જેથી તેને વાતાવરણની કોઈ અન્ય અસર ન થાય, કારણ કે, આ સમય દરમિયાન બાળકીની ઈમ્યુનિટી ઘણાખરા અંશે નબળી પડી ગઈ હોય છે. ઘરમાં તમામ સભ્યો પોઝિટિવ હોવા છતાં બાળકીનો રિકવરી રેટ ખૂબ જ સારો છે.