અમદાવાદ: રાજ્યભરમાં ચકચારી બનેલા અમિત જેઠવા હત્યા કેસના આરોપી દિનુ બોઘા સોલંકીને હાઇકોર્ટે શરતી જામીન પર મુકત કરવા આદેશ કર્યો છે. દેશ છોડીને બહાર નહીં જવા અને રૂ.૧ લાખ બોન્ડ જમા કરાવવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે. સીબીઆઇ કોર્ટે ફટકારેલી આજીવન કેદની સજા પરની અપીલ હાલ હાઇકોર્ટમાં પેન્ડીગ છે. જામીન અરજીનો ચુકાદો આપતાં હાઇકોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે, સીબીઆઈ કોર્ટે દિનુ બોઘાને ફટકારેલી સજા તાર્કીક લાગતી નથી. બિનજરૂરી પાસાઓના આધારે સીબીઆઈ કોર્ટે દિનુ બોઘાને સજા ફટકારી છે તેવું જણાય છે.
જસ્ટિસ પરેશ ઉપાધ્યાય અને જસ્ટિસ એ.સી. જોષીની ખંડપીઠે જામીન પર મુકત કરતા એવું ઠેરવ્યુ છે કે, પીડિત તરફથી રજૂ કરાયેલી સાક્ષીની જુબાની મુજબ, ભાજપ અને કોગ્રેસ વચ્ચેના ઝાઘડા વચ્ચે અમારા જેવા સામાન્ય માણસને ભોગવવું પડે છે, તેવા બે રાજકીય પક્ષની લડત વિશે સંદર્ભ ટાંકયો માટે અમારે (કોર્ટે) જવાબ આપવો પડે. સાક્ષીની વાત સાચી માની લઇએ તો પણ પુરાવા દિનુ બોઘા સોલંકીના આરોપી હોય તે તરફ દોરી જાય તે જણાતુ નથી.