લખીમપુરઃ રાજસ્થાનમાં મામલો બિચકેલો છે ત્યાં હવે યુપીમાં પણ ખેડૂતો લડી લેવાના મૂડમાં આવી ગયા છે. તાજેતરમાં લખીમપુરમાં ખેડૂતો દ્વારા ડેપ્યુટી સીએમના પ્રવાસ પહેલાં આંદોલન કરવામાં આવી રહ્યું હતું ત્યારે કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રાના કાફલાની એક ગાડીએ ખેડૂતોને હડફેટે લીધા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા અને કેન્દ્રીય મંત્રીને કાળા વાવટા બતાવી રહ્યા હતા. આ દરમિયાન મિશ્રાના પુત્ર અભિષેકે ખેડૂતો ઉપર ગાડી ચઢાવી દીધી હતી. આ ઘટનામાં આઠ ખેડૂતોનાં મોત થયાં હતાં જ્યારે ૮ ખેડૂતોને ઈજા થઈ હતી. તે ઉપરાંત ગાડી રોકવાના પ્રયાસમાં બે પોલીસ કર્મીઓને પણ ઈજા પહોંચી હતી.
મંત્રીના પુત્રની આ હરકતથી ખેડૂતો રોષે ભરાયા હતા. તેમણે અભિષેક મિશ્રાની ગાડી સહિત અન્ય બે ગાડીઓ ફૂંકી મારી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો લખીમપુર ખાતે તહેનાત કરી દેવાયો છે. આ સ્થિતિમાં ટોચના પોેલીસ અધિકારીઓને યોગીએ લખીમપુર રવાના કર્યા છે. બીજી તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ ત્યાં જવા રવાના થયા છે. સૂત્રોના મતે હાલમાં અહીંયા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.
મૃતક ખેડૂતોના પરિવારને ૪૫ લાખ, સરકારી નોકરી
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે શરૂ થયેલી હિંસાની આગ સોમવારે શાંત થતી દેખાઈ. પોલીસ અને ખેડૂતો વચ્ચે સંમતિ સધાઈ કે હાઈકોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વ હેઠળ ન્યાયિક પંચ સમગ્ર મામલાની તપાસ કરશે. આ ઘટનામાં ૪ ખેડૂત, ૨ ભાજપ નેતા, ૧ પત્રકાર અને કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાના ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. મૃતક ખેડૂત પરિવારને ૪૫ લાખનું વળતર તેમજ પરિવારના એક સભ્યને સરકારી નોકરીની જાહેરાત ઉત્તરપ્રદેશ સરકારે કરી છે.

