અમદાવાદઃ કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલ અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવ્યા હતાં. તેમણે મુક્તમને સ્વિકાર કર્યો કે, કયા કારણોસર કોંગ્રેસ તૂટે છે અને કયા કારણોથી લોકો કોંગ્રેસ છોડે છે તે વિશે મને ખબર નથી. પણ એક વાત ચોક્કસ છે કે, દેશમાં મજબૂત વિપક્ષની જરૂર છે.
ગાંધી જયંતિ નિમિત્તે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી. તેઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કર્યા હતાં. સાથે સાથે બાળકોનેય મળ્યાં હતાં. કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિને લઇને સિબ્બલે કહ્યું કે, કોંગ્રેસ તૂટે છે તેમાં મારૂ કોઇ યોગદાન નથી. તે કોંગ્રેસ હાઇકમાન્ડને પૂછો. હું કોગ્રેસનો સિનિયર નેતા છુ. કોંગ્રેસમાં જે નિર્ણય થાય છે તેની જાણકારી મને છે જ નહીં. ગુજરાત કોંગ્રેસના નેતૃત્વના બદલાવ મુદ્દે તેમનું કહેવુ હતુંકે, ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતા કોને બનાવવા એ હાઇકમાન્ડ નક્કી કરશે.
સિબ્બલે કેન્દ્ર સરકાર પર પેટ્રોલ ડિઝલના વધતા ભાવોને લઇને પ્રહારો કર્યા કે, કેન્દ્ર સરકારે ડિઝલમાં રૂા. ૨ લાખ કરોડ અને પેટ્રોલમાં રૂા. ૭૦ હજાર કરોડની કમાણી કરી છે. પેગાસસ જાસૂસી મુદ્દે તેમણે એવો આરોપ મૂક્યો કે, દેશમાં પેગાસસને લઇને જાસૂસી થઇ રહી તે ચિંતાજનક છે.દેશમાં આ સૈાથી મોટો સવાલ સર્જાયો છે. ખુદ ભાજપના પ્રધાને આ મુદ્દે સ્વિકાર્યુ છે.