અમદાવાદ: રાજ્યમાં કોરોના વાઇરસ વધુ મ્યુટન્ટ થયો નથી, જેથી હાલની સ્થિતિ જોતાં ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ઘણી ઓછી હોવાનું અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન (આહના)ના પ્રેસિડેન્ટે જણાવ્યું છે. આ સાથે તેમણે કોરોના વેક્સિનના બે ડોઝ લેવા તથા દિવાળીની રજાઓ દરમિયાન કેરળ, મહારાષ્ટ્ર જવાનું ટાળવાની સલાહ આપી છે.
આહનાના પ્રેસિડેન્ટ ડો. ભરત ગઢવી જણાવે છે કે, ગુજરાતમાં કોરોનાનો વાઇરસ વધુ મ્યુટન્ટ થયો નથી, જેથી હાલની સ્થિતિ જોતાં ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ઘણી ઓછી છે તેમ છતાં હાલમાં કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ છે જ્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે. આમ આ દિવસો દરમિયાન કેરળ અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં અસંખ્ય લોકો આવશે.

