નડિયાદ: ડાકોર મંદિરમાં શ્રીજીની પૂજા કરવા મામલે વારાદારી વંશની બે બહેનો અને મંદિર ટ્રસ્ટીઓ તથા મેનેજર વચ્ચે ચકમક થઈ હતી. મંદિરની પરંપરા મુજબ રણછોડજીની પૂજા જે તે વારાદારી વંશજનો પુરૂષો દ્વારા કરાયા છે. જો કે ૨ ઓક્ટોબરની સવારે મંદિરમાં ઠાકોરજીની સેવા પૂજા કરવા વારાદારી વંશની બે બહેનો આવી પહોંચતાં વિવાદ સર્જાયો હતો. મંદિરના મેનેજરે બંને બહેનોને મંદિરના શ્રીજીના સિંહાસન સ્થળે જતાં અટકાવ્યા હતા. નિયમ મુજબ બહેનોના પ્રતિનિધિ સેવકોને સેવાપૂજા કરવા માટે જવા દેવાયા હતા. મંદિરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સવારથી જ સ્થાનિક પોલીસ ખડેપગે તૈનાત રહી હતી.
રણછોડરાયજી ભગવાન દ્વારકાથી બોડાણાની ભકિતથી પ્રસન્ન થઇને ૮૬૫ વર્ષ પૂર્વે ડાકોર પધાર્યા હતા. ડાકોરમાં શ્રીજી પધાર્યા બાદ તેઓને સેવાપૂજા માટે વારાદારી સેવકો નિમવામાં આવ્યા હતા. પરંપરા મુજબ વારાદારીના સેવકોના વંશજ પુત્રો કરે છે. વારાદારીના પુત્ર ન હોય તો તેમના નિમેલા પ્રતિનિધિઓ દ્વારા સેવા પૂજા કરાય છે. વારાદારી કૃષ્ણલાલ સેવકને બે પુત્રી હોવાથી તેમના વતી વર્ષોથી તેમના નિમેલા પ્રતિનિધિઓ દ્વારા સેવા પૂજા કરાય છે. તેમની પુત્રીને મંદિર માંથી મળવાપાત્ર વારાદારી લાગભાગ અપાય છે. આ બાબતે ૧૯૯૦ થી ઇન્દિરાબેન કૃષ્ણલાલ સેવક અને ભગવતીબેન કૃષ્ણલાલ સેવકને તેમના કુંટુબીજનો વચ્ચે વિવાદ ચાલે છે. ઇન્દીરાબેને મંદિરમાં સેવાપૂજા કરવાના હક માટે નડિયાદ સિવિલ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં ઇન્દિરાબેનની તરફેણમાં કોર્ટે ૯ એપ્રિલ ૨૦૧૮માં આપ્યો હતો. તેમ ઇન્દીરાબેને જણાવ્યું હતું. શનિવાર-રવિવારે ઠાકોરજીની સેવા પૂજા કરવા માટેનો વારો કૃષ્ણલાલ સેવક પરિવારનો હતો. જેથી નીચલી કોર્ટના હુકમના આધારે ઉપરોક્ત બંને બહેનો ૨ ઓક્ટોબરના સવારે ૬ વાગે મંદિરમાં સેવા પૂજા કરવા માટે આવી પહોંચ્યા હતા. પરંતુ મંદિરના મેનેજરે રણછોડજીના નિયમ મર્યાદા અને સ્કીમ જળવાય તે માટે મંદિરના શ્રી રણછોડરાયજી ભગવાનના સિંહાસન સ્થળે જતાં અટકાવ્યા હતા. મનેજરે બે બહેનોના બદલે તેમના પ્રતિનિધિઓને સેવા પૂજા કરવા માટે મંદિરમાં જવા દીધા હતા. મંદિરમાં રાબેતા મુજબ મંગળાઆરતી થઇ હતી.
કોર્ટમાં જીતી ગયા છે તો પ્રતિનિધિને
શા માટે મોકલીએ
ઇન્દીરાબેન કૃષ્ણલાલ સેવકે જણાવ્યું હતું કે, મંદિરમાં સેવા પૂજા કરવા માટે વર્ષ ૧૯૯૦ અરજી કરાયેલી હતી. તે અરજીનો હુકમ તા.૯ એપ્રિલ ૨૦૧૮માં અમારી તરફેણમાં આવ્યો છે. હું તથા મારી બહેન ભગવતીબેન સવારે ૬ વાગે ગેટ નં ૪ થી સેવા પૂજા કરવા માટે મંદિરમાં આવ્યા હતા. ત્યારે કમિટિ દ્વારા અમને રોકી અને પ્રતિનિધિને મોકલો તેમ જણાવ્યું હતું. કોર્ટમાં અમે જીતી
ગયા છે. તો પ્રતિનિધિને શા માટે મંદિરમાં મોકલીએ છીએ.