સિદ્ધપુર: માતૃગયા તીર્થ બિંદુ સરોવર સિદ્ધપુર ખાતે ડોશી નોમના પવિત્ર દિવસે હજારો શ્રદ્ધાળુઓએ માતૃતર્પણ વિધિ કરી, પવિત્ર શ્રાદ્ધ પક્ષમાં પિંડદાન કરી માતૃઋણમાંથી મુક્ત થયા હતા. ભારતભરમાંથી ઉમટેલા અંદાજિત ૨૫૦૦૦ કરતાં વધુ પરિવારોએ માતૃઋણ ચૂકવ્યું હતું.
માતૃગયા તીર્થ બિંદુ સરોવર ખાતે કારતક, ચૈત્ર અને ભાદરવા માસમાં શ્રાદ્ધ કરવાનો વિશેષ મહિમા રહેલો છે. હાલમાં પવિત્ર શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે ભાદરવા વદ નોમને ડોશી નોમના દિવસે માતૃશ્રાદ્ધ કરવા માટે સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતીય રાજ્યોમાંથી પણ ૨૫૦૦૦ હજારથી વધુ પરિવારો માતૃશ્રાદ્ધ માટે ઉમટી પડ્યા હતા. ગુજરાતની સાથે ખાસ કરીને મહારાષ્ટ્રમાં ડોશી નોમનો મહિમા હોવાથી મહારાષ્ટ્રિયન પરિવારો
મોટી સંખ્યામાં આવ્યા હતા, આ દિવસે શ્રદ્ધાળુઓએ
તેમની માતા, દાદી, પરદાદીનું પિંડદાન કરીને તેમને મોક્ષ અપાવ્યો હતો.