પાલનપુરઃ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે જલ જીવન અંતર્ગત વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં પાલનપુર તાલુકાના પીંપળી ગામના ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં તેઓએ પીંપલી ગામના પાણી સમિતિના સદસ્ય રમેશ પટેલનું નામ બોલતા ગ્રામજનોમાં ખુશી છવાઈ ગઈ હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, જળ જીવન મિશનની એપના માધ્યમથી પાણીની ગુણવત્તા સહિત ગામ લોકો પાણીની તમામ બાબતોની જાણકારી મેળવી સીધી નજર રાખી શકશે. જળ જીવન મિશન હેઠળ છેલ્લા બે વર્ષમાં પાંચ કરોડ ઘરોને નળ કનેકશનથી જોડવામાં આવ્યા છે. બાળકો પોતાનું જીવન પાણીની પળોજળમાં ન વિતાવી દે તેના માટે યુદ્ધના ધોરણે કામ કરવું પડશે. ત્યારે પાણીનો ઉપયોગ પ્રસાદની જેમ કરવા તથા પાણી બચાવવા આદતો બદલવી પડશે તો જ પાણીને બચાવી શકાશે. આ પ્રસંગે લોકસભાના સાંસદ પરબત પટેલે જણાવ્યું હતું કે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે અને બાપુ ગ્રામ સ્વરાજની કલ્પના કરી હતી તેને પીંપળી ગામે સાકાર કરી છે.
ગામના અગ્રણી રમેશ પટેલે જણાવ્યું કે અમારા ગામની વસતી ૨૪૪૪ છે અને ૭૭૫ ઘરો છે. ગામમાં તમામ ઘરો સો ટકા નળ કનેકશનથી જોડાયેલા છે અને ગામમાં પ્રથમ ડોઝના કોરોના વેક્સીનેશનની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવી છે.