પોરબંદર: આઇએમબીએલ નજીકથી પોરબંદર અને સૌરાષ્ટ્રની ચાર બોટ અને ૨૪ માછીમારના પાકિસ્તાન મરીન સીકયુરીટી એજન્સી દ્વારા અપહરણ કરી જવાયા હતાં.
પાકિસ્તાની મરીન સીકયુરીટી એજન્સીએ મશીનગનના નાળચે પોરબંદરની એક, ઓખાની એક, વેરાવળની બે મળી ચાર બોટ અને તેના ૨૪ માછીમાર (ખલાસીના) અપહરણ કર્યા હતાં. પોરબંદર માછીમાર આગેવાન અને મરીન ફીશરીઝ કો-ઓપ. પ્રેસીડન્ટ મનિષભાઇ લોઢારીના જણાવ્યા પ્રમાણે તા ૨૮મીએ આઇએમબીએલ નજીકથી ચાર બોટ અને ૨૪ માછીમારના અપહરણ થયાં છે. ધરતી ફીશીંગ બોટના પાંચ, જાનબાઇ બોટના સાત, દેવદાયદેવના પાંચ અને રાધેક્રિષ્ના બોટના સાત મળી કુલ ૨૪ ખલાસીને મશીનગનના નાળે બંદીવાન બનાવીને પાક. મરીન સીકયુરીટી એજન્સી ઉઠાવી ગઇ છે. હજુ તો માછીમારીની સીઝન શરૂ થઇ છે અને બોટ ટ્રીપમાં જઇ રહી છે ત્યારે જ આ પ્રકારની હરકત થતાં માછીમારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.