પોરબંદર: મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં કિર્તીમદિરમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. જેમાં સ્ક્રીન ઉપર બાપૂની સાથે ઝીણાની તસવીરો રજૂ થઈ હતી. કીર્તિમંદિરની જર્જરિત હાલત અંગે મુખ્યપ્રધાને કહ્યું કે, મને જાણકારી નથી હવે કામગીરી થશે. મુખ્યપ્રધાના હસ્તે કિર્તીમંદિરની વેબસાઈટ લોન્ચ કરાઈ હતી. પાલિકા કચેરી સામે નવનિર્મિત સિટી બસ સ્ટેન્ડ જર્જરિત હોવાથી મુખ્યપ્રધાનના આગમન પહેલાં તેને ઢાંકી દેવાયું હતું.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મ સ્થળ કિર્તિમંદિર ખાતે બાપુની ૧૫૨મી જન્મ જયંતીએ સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થઈ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્યપ્રધાન પટેલે ગાંધી વંદના કરતા જણાવ્યું હતું કે, ગાંધીજીના સ્વચ્છતાના વિચારો આજના પરિપ્રેક્ષ્યમાં એટલા જ રિલેવન્ટ છે. એટલું જ નહીં, યુવા પેઢીને આવનારી પેઢીને ગાંધી આચાર-વિચાર શાશ્વત મૂલ્યો આત્મસાત કરવાની પ્રેરણા આપતો આ દિવસ છે. ઉપરાંત કલેકટર અશોક શર્મા લિખિત પુસ્તક મોહન સે મોહનનું પણ વિમોચન કર્યું હતું. સરકારી શાળાના શિક્ષકોએ ગાંધીજીના પ્રિય ભજનો ભાવમય રીતે રજૂ કર્યા હતા. ક્લીન ઇન્ડિયા અંતર્ગત મુખ્યપ્રધાને સ્વચ્છતા રેલીને પણ પ્રસ્થાન કરાવ્યું હતું. સર્વ ધર્મ પ્રાર્થના સભામાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલ, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિતના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સાડા ત્રણ કરોડના ખર્ચે નિર્માણ પામેલ પોરબંદર- છાંયા સંયુકત નગરપાલિકાના ભવનનું તથા ચિલ્ડ્રન હોમ ફેર બોયઝનું લોકર્પણ કરી ખુલ્લુ મુકયુ હતું. બાદમા વિલા ર્સિકટ હાઉસ ખાતે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં પદાધિકારીઓની અને બાદમાં અધિકારીઓની બેઠક મળી હતી. ત્યાર બાદ તેઓએ કથાકાર રમેશ ઓઝા પ્રેરિત સાંદિપની સંકુલની અને અસ્માવતિ રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી. અહી રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવાની આગેવાનીમાં રાજપૂત સમાજના અગ્રણીઓએ મુખ્યપ્રધાનનું પાઘડી પહેરાવી પરંપરાગત સ્વાગત કર્યું હતું.