અમદાવાદઃ અમદાવાદના બિલ્ડર ગ્રુપ બી-સફલ અને તેની સાથે સંકળાયેલા લેન્ડ ડીલર પ્રવીણ બવાળિયાની ઓફિસ અને રહેઠાણ સહિત ૨૨ સ્થળો પર પાડવામાં આવેલા દરોડામાં રૂા. ૫૦૦ કરોડના બિનહિસાબી વહેવારો પકડી પાડવામાં આવકવેરા ખાતાને સફળતા મળી હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જમીનની ખરીદીમાં રૂા. ૨૦૦ કરોડના બિનહિસાબી નાણાં ખર્ચવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. ગ્રુપ સાથે ન સંકળાયેલી હોય તેવી વ્યક્તિઓના નામે જમીનની ખરીદી કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે. જમીનના વેચાણ થકી રૂા. ૧૦૦ કરોડની રોકડની આવક કરી હોવાના પુરાવાઓ પણ હાથ લાગ્યા છે.
બી-સફલ ગ્રુપના મકાન અને ઑફિસમાંથી મળેલા દસ્તાવેજો પરથી મળેલા અંદાજ મુજબ રૂા. ૨૦૦ કરોડથી વધુ રકમના બિનહિસાબી વહેવારો કર્યા હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું છે. તેમના મકાનમાંથી મળેલા દસ્તાવેજો સાથે સંકળાયેલા પક્ષકારોની પણ આવકવેરા ખાતું તપાસ કરશે. તેમના વહેવારો પણ તેમાં જડયા હોવાનું આવકવેરા ખાતાના અધિકારીઓનું કહેવું છે. સમગ્રતયા રૂા. ૫૦૦ કરોડના બિનહિસાબી વહેવારો ધ્યાનમાં આવ્યા છે.
દરોડા હેઠળ આવરી લેવાયેલા ગ્રુપ અને તેમના સાથીદારોને ત્યાંથી રૂા. ૧ કરોડની રોકડ અને ૯૮ લાખના દાગીના પણ મળી આવ્યા હતા.