ભુજ પાલિકા યાયાવર પક્ષીને પરત બોલાવે, ન આવે તો પગલાં લેવાશેઃ હાઇકોર્ટ

Tuesday 05th October 2021 12:10 EDT
 

ભુજઃ કચ્છ જિલ્લાના ભુજમાં રહેલા ૪૦૦ વર્ષ જૂના ઐતિહાસિક હમીરસર તળાવને બ્યુટીફિકેશન( સૌંદર્યકરણ) કરવા સામે થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, કચ્છ નગરપાલિકા દ્વારા હમીરસર તળાવની અંદર અને બહાર જે પણ બાંધકામ કર્યું છે, તે ત્રણ માસમાં તોડી પાડો. આ કામ સમયે, તળાવને જરાપણ નુકસાન થાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખો. હાઈકોર્ટે ભુજ નગરપાલિકાની ઝાટકણી કાઢતા કહ્યું છે કે, નગરપાલિકા દ્વારા તળાવમાં આવતા યાયાવર પક્ષીઓને પરત બોલાવવામાં આવે. જો, આ પક્ષીઓ આવશે નહીં તો પણ નગરપાલિકાને છોડીશું નહીં. આ ઐતિહાસક તળાવ અંગે અમે સાંભળ્યું છે. હાઈકોર્ટ આ હમીરસર તળાવની મુલાકાત લેશે અને કામનું નિરીક્ષણ કરશે કે નગરપાલિકાએ હાઈકોર્ટના આદેશનું પાલન કર્યું છે કે નહીં ? હાઈકોર્ટે એ પણ ટકોર કરી હતી કે, નોટિફાઈડ વોટરબોડી ( જળાશયો) હોય તેના પર કોઈપણ પ્રકારના બાંધકામ કરો નહીં. આ સ્થળ પર પાણી હોય કે ન હોય, પરંતુ ત્યાં કંઈ કરો નહીં. કુદરત ગમે ત્યારે આ સ્થળ પર પાણી મોકલી શકે છે.
હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું છે કે, ભુજ નગરપાલિકાએ જાણી જોઈને હમીરસર તળાવને નુકસાન પહોંચાડયું છે. નગરપાલિકાને તેના ઐતિહાસિક વારસા અને જળાશયની જમીન હોવાની ખબર જ હતી, છતાં બાંધકામ કરેલું છે. વર્ષ ૨૦૧૯માં હાઈકોર્ટે આ બાંધકામ સામે સ્ટે આપેલો, જેથી નગરપાલિકાએ આ પ્રોજેક્ટને પડતો મુક્યો છે. જે સારી વાત છે. જો કે, બ્યુટીફિકેશનના નામે ભુજ નગરપાલિકાએ અહીં આવતા પક્ષીઓને ઉડાડી દીધા છે. તળાવને બહુ મોટું નુકસાન કર્યું છે. ફંડ ભેગું કરવા નગરપાલિકાના સભ્યો કંઈક તો કર્યું હશે. હમીરસર તળાવ એ યાયાવર પક્ષીઓનું ઘર ગણાય છે. અહીં ફ્લેમિંગો, પેલિકન્સ જેવા અનેક પક્ષીઓ આવે છે. મહત્ત્વનું છે કે, ૪૦૦ વર્ષ પહેલા કચ્છના રાજવીએ આ તળાવનું નિર્માણ કરેલું છે. જેની ફરતે મોટી દીવાલ છે, જે હમીરસરની પાળી તરીકે ઓળખાય છે. વર્ષ ૨૦૦૧ના ભૂકંપ સમયે આ તળાવને નુકસાન થયું હતું.


comments powered by Disqus