ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે ૧૦ વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી છે. મનપાના ૧૧વોર્ડની ૪૪ બેઠકમાંથી ભાજપે ૪૧ બેઠક પર વિજય હાંસલ કર્યો છે, જ્યારે કોંગ્રેસને ૨ અને આપના ફાળે ૧ બેઠક આવી છે. ગાંધીનગરની ચૂંટણી ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ માટે એક પરીક્ષા સમાન માનવામાં આવતી હતી અને તેઓ એમાં પાસ થયા છે. ચૂંટણીનાં પરિણામથી કોંગ્રેસ-આપના કાર્યાલયમાં સન્નાટો છવાઈ ગયો છે. તો ભાજપના કમલમ્ કાર્યાલયમાં દિવાળી જેવો માહોલ છે. પાટીલ અને પટેલની ઉપસ્થિતિમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો છે.
૪૪ માંથી ૪૧ બેઠક સાથે ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી
૧૧ વોર્ડની ૪૪ બેઠકો પર થયેલી મતગણતરીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. ૪૪ બેઠકોમાંથી ૪૧ બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા બની ત્યાથી અત્યારસુધીમાં આ પહેલીવાર થયું છેકે, ભાજપને આ મનપામાં સ્પષ્ટ બહુમતી મળી હોય. જ્યારે કોંગ્રેસને માત્ર બેજ બેઠક તો આપ કે જે આ ચૂંટણીમાં મોટી ભૂમિકા ભજવશે તેવું મનાતું હતું તેને એકજ બેઠક મળી છે.
જનતાએ બે વખત તક આપી, પણ કોંગ્રેસ સાચવી ન શકી!
૨૦૧૧માં મનપાની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના ૧૮ અને ભાજપના ૧૫ ઉમેદવારો વિજેતા થયા હતા. ગાંધીનગરના પ્રથમ મેયર મહેન્દ્રસિંહ રાણાએ ઓક્ટોબર-૨૦૧૨ માં પેનલના બે સભ્યો સાથે પક્ષપલટો કરી સત્તા ભાજપના ખોળામાં આપી દીધી હતી. કોંગ્રેસના નેતાઓના પક્ષપલટાથી અનેક મતદારો કોંગ્રેસથી વિમુખ થઈ ગયા હતા, જેને પગલે ૨૦૧૬ની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ બંનેને ૧૬-૧૬ બેઠક મળી હતી. એમાં ભાજપને કુલ ૧,૨૯,૭૩૩ મત, જ્યારે કોંગ્રેસને ૧,૩૬,૦૯૫ મત મળ્યા હતા, એટલે કે એ સમયે પણ કોંગ્રેસ તરફ જનતાનો ઝોક વધુ રહેતાં તેને ૬૩૬૨ મત વધુ મળ્યા હતા.
જોકે પોતાના નેતાઓને સાચવી ન શકનારી કોંગ્રેસમાં ફરી પક્ષપલટો થયો હતો, જેમાં પ્રવીણ પટેલ પક્ષપલટો કરીને મેયર બની ગયા હતા અને ફરી સત્તા ભાજપના ખોળામાં જતી રહી હતી.
ભાણવડ નગરપાલિકામાં ભાજપ પર કૉંગ્રેસની રણનીતિ ભારે
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકામાં ભાજપની રણનીતિ પર કૉંગ્રેસની રણનીતિ ભારે પડી. ભાણવડ નગરપાલિકાની ૨૪ બેઠકોમાંથી ૧૬ બેઠકો કબજે કરી કૉંગ્રેસે બહુમતી મેળવી છે. તો ભાજપના ફાળે માત્ર ૮ બેઠકો આવી છે.
ઓખા નગરપાલિકામાં ભાજપે ભગવો લહેરાવ્યો
ઓખા નગરપાલિકાની કુલ ૩૬ બેઠકમાંથી ૩૪ બેઠક પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને માત્ર ૨ બેઠક જ મળકા કોંગ્રેસનો સફાયો થયો છે
રૂપાણીના રાજકોટમાં ગાબડું, જિ.પં.ની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસની જીત
રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના બંને ઉમેદવારની જીત થઇ છે. આ બંને બેઠક જસદણ તાલુકામાં આવે છે. ભાજપને ૩૫૩૭ મત મળ્યા છે અને કોંગ્રેસને ૫૬૨૧ મત મળ્યા છે. કોંગ્રેસના વિનુ મેણિયાએ ભાજપના છગન તાવિયાને ૨૦૮૪ મતથી હાર આપી છે. જયારે સાણથલી બેઠક પર કોંગ્રેસનાં શારદાબેનને ૫૧૦૩ મત મળ્યા હતા અને ભાજપનાં રસીલાબેનને ૪૮૬૮ મત મળ્યા હતા, આથી કોંગ્રેસનાં શારદાબેન ૨૩૫ મતથી વિજેતા થયાં છે.
ઉપલેટામાં પણ કોંગ્રેસનો પંજો ફરી વળ્યો
રાજકોટના ઉપલેટા નગરપાલિકામાં વોર્ડ નં. ૫ ની પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ છે. જેમાં કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર દક્ષાબેન વેકરિયાની જીત થઇ છે. ભાજપના ઉમેદવાર કૃણાલ સોજીત્રાને ૮૮૫ મત મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર દક્ષાબેનને ૧૦૯૮ મત
મળ્યા છે.
જૂનાગઢ મનપામાં એનસીપી પાસેથી કોંગ્રેસે બેઠક ખુંચવી
સોરઠમાં બે નગરપાલીકાની એક મહાનગરપાલીકાની તથા એક જિલ્લા પંચાયતની મળી કુલ ચાર બેઠકોની પેટા ચૂંટણી યોજાઇ હતી. જૂનાગઢ મહાનગરપાલીકાની અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતની બંને બેઠકમાં કોંગ્રેસનો વિજય થયો છે.
જયારે માણાવદર અને વિસાવદર પાલીકાની બંને બેઠકો ભાજપ જીતી ગયુ છે. આમ, સોરઠમાં યોજાયેલી પેટાચુંટણીમાં ભાજપ-કોંગ્રેસે બે-બે બેઠકો જીતી હતી.