ખંભાળિયાઃ રાજ્યમાં ટકાવારી મૂજબ સૌથી વધુ વરસાદ, ૧૪૨ ટકા સૌરાષ્ટ્રના દેવભુમિ દ્વારકા જિલ્લામાં નોંધાયેલ છે પરંતુ, આ જિલ્લાના કલ્યાણપુર તાલુકાનો સાની ડેમ તાલુકામાં ૪૦ ઈંચ ધોધમાર વરસાદ પછી આજની સ્થિતિએ સિંચાઈ ખાતાના રેકોર્ડ પર સંપૂર્ણ ખાલીખમ્મ એટલે કે તે ડ્રાય (સુકો) છે!
આ ડેમ ૨૬.૨૫ ફૂટની ઉંડાઈ ધરાવે છે જેમાં જીવંત જળરાશિ ૧૧.૮૦ ફૂટ સુધીની હોય છે. બે વર્ષ પહેલા તે ઓવરફ્લો થયો હતો અને તેના દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ જળાશયની સંગ્રહશક્તિ ૧૩૭૮ એમ.સી.એફટી.ની છે એટલે કે રાજકોટના આજી-૧ કરતા આશરે ૫૦ ટકા વધુ સંગ્રહશક્તિ છે અને ન્યારી-૧ ડેમ કરતા પણ મોટો છે. અને તે સિંચાઈ તથા પીવાના પાણી માટે મહત્વનો છે. પરંતુ, આજની સ્થિતિએ દ્વારકા જિલ્લાના ગઢકી સિવાયના તમામ ડેમો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે ત્યારે આ ડેમમાં સંગ્રહ ૦ ટકા છે. અર્થાત્ આખો ખાલી છે.
કારણ એ છે કે આ ડેમ જર્જરિત થયો હોય સિંચાઈ વિભાગે તે ડેમના પાળા (સ્પીલ વે) તથા નવા ગેઈટ સાથે નવો બનાવવાનો નિર્ણય લીધો છે તે કારણે તેમાં જળસંગ્રહ કરાયો નહીં હોવાનું સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. આ ડેમમાં સંગ્રહ નહીં થતું પાણી
અરબી સમુદ્રમાં વહી જાય છે. ડેમનું કામ સત્વરે હાથ ધરાય તેવી લોકમાંગ છે.