અંકલેશ્વર/ભરૂચઃ વટારીયાની ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસ આગેવાન સંદીપસિંહ માંગરોલા સહિત ૮ લોકો સામે રૂપિયા ૮૫ કરોડની ઉચાપતની ફરિયાદથી ભરૂચ જિલ્લામાં સહકારી અને રાજકારણ ક્ષેત્રે હડકંપ મચી ગઇ છે. વાલિયા પોલીસ મથકે સભાસદે મધરાતે ફરિયાદ નોંધાવ્યા બાદ ભરૂચમાં પત્રકાર પરિષદ યોજતા તરત જ પૂર્વ ચેરમેનની ધરપકડ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે.
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારીયામાં આવેલી શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં ભરૂચ અને સુરતના ૮ તાલુકાના ગામોના ૧૮૦૦૦ જેટલા સભાસદો આવેલા છે. છેલ્લી ૩ ટર્મ એટલે કે ૨૦૦૩ થી ૨૦૨૦ સુધી ગણેશ સુગરના ચેરમેન તરીકે કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપસિંહ માંગરોલા અને તેમની પેનલ ચૂંટાતી આવી છે.
ઝાડેશ્વર તવરા રોડ પર આવેલી રંગ ટાઉનશીપમાં રહેતા અને ૨૦ વર્ષથી સભાસદ પુષ્પેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ સુણવાએ વાલિયા પોલીસ મથકે ગણેશ સુગર અને સભાસદો સાથે કૌભાંડ, ઉચાપત, વિશ્વાસઘાતની તત્કાલીન ચેરમેન સહિતના સામે રૂપિયા ૮૫ કરોડની નોંધાવેલી ફરિયાદથી ભારે ચકચાર મચી ગઈ છે.
વર્ષ ૨૦૦૮ થી ૨૦૨૦ સુધી પૂર્વ ચેરમેન સંદીપસિંહ માંગરોલાએ સુગરના તત્કાલીન કર્તાહર્તાઓ સાથે મળી સુગર ફેક્ટરીની હજારો કવીંટલ ખાંડ, મોલાસીસનો જથ્થો બારોબાર ઉધારમાં ઓછી કિંમતે વેચી રૃપિયા ૪૬ કરોડ અને અંકલેશ્વરની યુનિયન બેન્કમાંથી ૧૩૦૦ સભાસદના નામે રૂપિયા ૩૯ કરોડનું લોન કૌભાંડ આચરી કુલ રૂપિયા ૮૫ કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.