72 વર્ષના પુસ્તકપ્રેમી શ્રમિકે ઓરડીમાં પુસ્તકાલય ઊભું કર્યું

Tuesday 27th September 2022 12:01 EDT
 
 

રાજકોટઃ ગોંડલ તાલુકાના રાણસીકી ગામમાં ખેતીકામ કરતો હતો. શિક્ષક બનવાનું સપનું હતું પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાથી શાળામાંથી અભ્યાસ છોડી દેવો પડ્યો. એક સમયે સુરતમાં કારખાનામાં ક્યારેક રાત રોકાવું પતું હતું તેવી હાલત હતી આવી સ્થિતિ વચ્ચે પણ મારો પુસ્તક પ્રેમ જાળવી રાખ્યો હતો. જ્યારે સમય મળે ત્યારે ગુજરી બજાર અથવા તો કોઈ કહે કે ઘરેથી પુસ્તક લઈ જાઓ તો ગમે તેમ કરીને પુસ્તક લઈ આવતો અને મોડે સુધી વાંચતો હતો. ધોરાજી આવ્યા બાદ નળિયાવાળું નાનું મકાન તો રહેવા મળ્યું પણ પુસ્તકો ક્યાં સાચવવા તે મોટો પ્રશ્ન હતો. બાથરૂમ બનાવવાની જગ્યા થોડી ઓછી કરીને એક નાનકડી ઓરડી બનાવી અને તેમાં પુસ્તકો રાખ્યા. આ શબ્દો છે 72 વર્ષીય સવજીભાઈ ધોળકિયાના.

ધોરાજીમાં 30 વર્ષથી રહેતા સવજીભાઈ ગુજરાન ચલાવવા મજૂરીકામ કરે છે પરંતુ તેમની પાસે સાહિત્ય, ધાર્મિક, ઈતિહાસ, મહાનુભાવોના જીવનચરિત્ર એવા અલગ અલગ સાત હજારથી વધુ પુસ્તકો છે અને આ પુસ્તકોથી ઘરની ઓરડીમાં પુસ્તકાલય બનાવ્યું છે. તેમનો પુસ્તક પ્રેમ એટલો અજબ છે કે પુસ્તક લેવા ભાડાના પૈસા ન હોય તો ઘરખર્ચમાં કાપ મૂકીને અમદાવાદ પુસ્તકો લેવા ધક્કો ખાય છે, કોઈ મોટા લેખક કે સાહિત્યકાર પાસે પુસ્તકો નહીં હોય તેટલા પુસ્તકોનો ખજાનો તેમની પાસે છે.

પુસ્તકો સાથેનો પ્રેમ જીવીશ ત્યાં સુધી જાળવીશ

મારી નાનકડી ઓરડીમાં કબાટની સુવિધા ન હોવાથી પતરાનાં ડબ્બામાં પુસ્તકો રાખ્યા છે. મારા પુસ્તકો કોઈને કામ આવે એટલે મારી આ ઓરડીને પુસ્તકાલયમાં ફેરવી નાંખી છે. વિદ્યાર્થીઓ, સંશોધકો, લેખકો ઘરે આવીને જે જોઈએ તે પુસ્તક લઈ જાય છે અને ઘણા લોકો પુસ્તકો પણ આપી જાય છે. પુસ્તકો ખરીદવા અને વાંચવા એ સિવાય મારે કોઈ વ્યસન નથી. પુસ્તકો સાથેનો પ્રેમ જીવીશ ત્યાં સુધી જાળવીશ.


comments powered by Disqus