અમરેલી: અમરેલીના સાંસદ નારણ કાછડિયા એક યુવતી અને તેની ગેંગની જાળમાં ફસાયા છે. ગેંગે અશ્લીલ ક્લિપ બનાવી ફરતી કરવાની ધમકી આપી હતી. જેને પગલે સાંસદના પીએ વિશાલ સરધારાએ યુવતી સામે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
નારણ કાછડિયા ઓફિસે બેઠા હતા અને અરજદારોને મળી રહ્યા હતા તે સમયે તેમના મોબાઇલ પર એક યુવતીનો વીડિયો કોલ આવ્યો હતો. કોલ રીસીવ કર્યા બાદ યુવતીના ચેનચાળા જોઇ તેમણે કોલ કાપી નાખ્યો હતો. થોડીવારમાં જ તેમને મેસેજ આવ્યો હતો કે તમારો અશ્લીલ વીડિયો ઉતારી લેવાયો છે અને સોશિયલ મીડિયા પર તેને ફરતો કરી દેવામાં આવશે.
યુવતી દ્વારા તેમને બદનામ કરવાની ધમકીઓ આપવામા આવી હતી, જેને પગલે તુરંત જ તેમના પીએ વિશાલે સાઈબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, અમરેલી અને સાવરકુંડલાના અનેક આગેવાનો આવી જાળમાં ફસાઇ ચૂકયા છે.
ગેંગ આ રીતે લોકોને ફસાવે છે
આ ગેંગ સોશિયલ મીડિયા મારફતે ધીમે ધીમે પરિચય કેળવી વીડિયો કોલ કરે છે.અન્ય એક પેંતરામાં યુવતી સીધો જ વીડિયો કોલ કરે છે અને થોડા સમય પછી તેના રેકોર્ડિંગના આધારે અશ્લીલ વીડિયો બનાવ્યો હોવાનું કહી ફસાવે છે.
