લંડન: વીજળીના દરમાં તોતિંગ વધારાના પગલે હવે ઇલેક્ટ્રિક વ્હિકલ્સને ચાર્જ કરવાની કિંમતમાં પણ વધારો થઇ રહ્યો છે. ચાર્જ પોઇન્ટ ઓપરેટર ઓસ્પ્રેએ ચાર્જિંગના દર વધારીને 1 પાઉન્ડ પ્રતિ kWh કરી નાખ્યાં છે. કંપનીના સીઇઓ ઇયાન જ્હોન્સ્ટને જણાવ્યું હતું કે, હવે ઓસ્પ્રે ખાતે ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જ કરવાના દર 66 પેન્સ પ્રતિ kWhથી વધારીને 1 પાઉન્ડ પ્રતિ kWh કરવામાં આવ્યાં છે. જે સીધો 33 ટકાનો વધારો સૂચવે છે. ઓસ્પ્રે કંપની દ્વારા બ્રિટનમાં સેંકડો ચાર્જિંગ પોઇન્ટ ઓપરેટ કરવામાં આવે છે. આ ભાવવધારાના પગલે ઇલેક્ટ્રિક વ્હિકલની બેટરી 10 ટકાથી 80 ટકા ચાર્જ કરવા માટે 40 પાઉન્ડ ચૂકવવા પડશે જે એક વર્ષ પહેલાં 24 પાઉન્ડ જ થતાં હતાં. આ ભાવવધારો દર્શાવે છે કે ઇવી ચાર્જપોઇન્ટ ઓપરેટરો
પણ વધેલા વીજળી દરના બોજા હેઠળ આવી ગયાં છે.
જ્હોન્સ્ટને જણાવ્યું હતું કે, અમારી પાસે કિંમતોમાં વધારો કર્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. વીજળીના વધી રહેલા દર સામે સરકાર દ્વારા અત્યાર સુધીમાં અમને કોઇ સહાય આપવામાં આવી નથી. સરકાર દ્વારા સપોર્ટ સ્કીમ જાહેર ન કરાય ત્યાં સુધી અમારી પાસે ભાવવધારા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. જો શક્ય બનશે તો અમે કિંમતોમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરીશું.
ઇલેક્ટ્રિક કાર અને પેટ્રોલ કારનો ખર્ચ એકસમાન બન્યો
ચાર્જિગ રેટમાં વધારાના કારણે ઇલેક્ટ્રિક કાર અને પેટ્રોલ કારનો ખર્ચ એકસમાન થઇ ગયો છે. છેલ્લા 4 મહિનામાં ચાર્જિંગ પોઇન્ટ ખાતે કાર રચાર્જ કરવાની કિંમતમાં 42 ટકાનો વધારો થતાં હવે ઇલેક્ટ્રિક કારનો ખર્ચ 18 પેન્સ પ્રતિ માઇલ પર પહોંચી ગયો છે. પેટ્રોલની કારમાં એક માઇલ દીઠ ખર્ચ 19 પેન્સ આવે છે.
3 મિનિટમાં ચાર્જ થતી અને 20 વર્ષનું આયુષ્ય ધરાવતી બેટરીની શોધ
અમેરિકાના મેસેચ્યુસેટ્સના વોલધામ ખાતેથી ઓપરેટ કરતા સ્ટાર્ટ અપ એડન એનર્જીએ ઇલેક્ટ્રિક વાહનો માટે ગેમ ચેન્જર બેટરી તૈયાર કરી છે જે ફક્ત 3 મિનિટમાં ચાર્જ થઇ જશે અને તેનું આયુષ્ય પણ 20 વર્ષનું રહેશે. હાવર્ડના વૈજ્ઞાનિકો દ્વારા લિથિયમ આયનના સ્થાને લિથિયમ મેટલમાંથી આ બેટરી તૈયાર કરાઇ છે જેના કારણે બેટરીના આયુષ્યમાં 3 ગણો વધારો થઇ જશે. હાલ બજારમાં ઉપલબ્ધ લિથિયમ આયનની બેટરીનું આયુષ્ય 6 થી 7 વર્ષનું હોય છે.

