લંડનઃ હાઉસ ઓફ કોમન્સમાં હેરો ઇસ્ટના સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરતા બોબ બ્લેકમેને હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને પત્ર લખીને જણાવ્યું હતું કે, લેસ્ટર, બર્મિંગહામ અને બ્રિટનમાં અન્ય સ્થળોએ હિન્દુઓ પર થયેલા હુમલાઓના સંદર્ભમાં હું એપીપીજી ઓફ બ્રિટિશ હિન્દુઝના ચેરમેન તરીકે તમારું ધ્યાન દોરવા માગું છું. ઇસ્લામિક કટ્ટરવાદીઓ દ્વારા કરાયેલા આ ટાર્ગેટેડ હુમલાઓના કારણે હિન્દુઓમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. દુર્ભાગ્યે હેટ ક્રાઇમનો આ કોઇ એકલદોકલ બનાવ નથી. આ પ્રકારના કટ્ટરવાદી હુમલાઓ સામે હિન્દુ સમુદાયને અપુરતું સંરક્ષણ મળે છે. આ વખતે પણ ઘણી સંપત્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું, બે હિન્દુઓને છૂરાબાજીમાં ઇજા પહોંચાડવામાં આવી, મંદિરો પર હુમલા કરાયા જેના પગલે પોલીસે ઘણા લોકોની ધરપકડ કરી છે. અત્યારે નવરાત્રીનો મહોત્સવ ચાલી રહ્યો છે. 24 અને 25 ઓક્ટોબરે હિન્દુસમુદાય દીવાળી અને નવા વર્ષની ઉજવણી કરશે ત્યારે તેમની સુરક્ષાની મુખ્ય ચિંતા છે. તેથી હિન્દુ બહુલ વિસ્તારોમાં પોલીસબળની સંખ્યા વધારીને તેમને સુરક્ષા આપવામાં આવે. મને વિશ્વાસ છે કે આ વ્યવસ્થામાં હિન્દુ સંગઠનો સહકાર આપશે. તે ઉપરાંત સમગ્ર દેશમાં હિન્દુ મંદિરોની સુરક્ષા વધારવામાં આવે.

