કટ્ટરવાદીઓનો મૂળ ઉદ્દેશ્ય હિન્દુઓને બદનામ કરવાનો છે ઃ વિનોદ પોપટ

Wednesday 28th September 2022 09:44 EDT
 
 

લંડનઃ બ્રિટિશ હિન્દુ વોઇસના ચેરમેન વિનોદ પોપટે જણાવ્યું હતું કે, મેલ્ટન રોડ પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ સર્જાયેલી ઘટના પછી બ્રિટિશ હિન્દુ વોઇસે તાત્કાલિક પોલીસને જણાવ્યું હતું કે, આ ઘટનાને કોમી એંગલથી જોવી જોઇએ નહીં કારણ કે કેટલાંક દ્વારા તેને કોમી એંગલ આપવામાં આવી શકે છે. અમે પોલીસ કમિશનર અને ચીફ કોન્સ્ટેબલને તાકિદે હિન્દુ આગેવાનો સાથે મિટિંગ કરવાની માગ કરી હતી. પરંતુ એક ચોક્કસ ધાર્મિક સંગઠને તેને કોમી એંગલ આપવાનો પ્રયાસ કરતાં અમારી માગને નજરઅંદાજ કરી દેવાઇ હતી. પોલીસના એક અધિકારીએ એવું નિવેદન આપ્યું હતું કે, ક્રિકેટ મેચ બાદ ચોક્કસ ધર્મ વિરોધી નારાબાજી કરાઇ હતી. આ નિવેદનના કારણે સ્થિતિ વણસી હતી. અમે તેનો વિરોધ કરતાં પોલીસે નિવેદન પાછું ખેંચી પોતાની ભૂલ કબૂલી હતી. પરંતુ તેના કારણે નુકસાન તો થઇ જ ચૂક્યું હતું. ત્યારથી ધાર્મિક કટ્ટરવાદી તત્વો દ્વારા સોશિયલ મીડિયા પર હિન્દુઓ વિરુદ્ધ આરોપો મૂકતા ફેક વીડિયો પોસ્ટ કરાયાં અને ધમકીઓ પણ ઉચ્ચારવામાં આવી. અમે સોશિયલ મીડિયા પર ફરતા મેસેજ અંગે ફરી એકવાર પોલીસને સાવચેત કરી તાકિદે પગલાં લેવાની માગ કરી હતી. અમે પોલીસને જણાવ્યું હતું કે, કટ્ટરવાદીઓનો મૂળ ઉદ્દેશ્ય હિન્દુત્વના લેબલનો ઉપયોગ કરી હિન્દુઓને બદનામ કરવાનો છે. આ તણાવમાં સૌથી વધુ નુકસાન દમણ કોમ્યુનિટીને થયું છે. તેમના ઘરો પર હુમલા થતા હતા ત્યારે હિન્દુ સમાજના ચોક્કસ આગેવાનો તેમના ઘરોમાં બેસીને ફક્ત નિવેદનબાજી કરી રહ્યાં હતાં.
વિનોદ પોપટ કહે છે કે મુસ્લિમ યુવતીના અપહરણની અફવાએ સ્થિતિ વણસાવી હતી અને પોલીસની હાજરીમાં જ બેલગ્રેવ રોડ પર શિવાલયના ધ્વજને સળગાવવાની ઘટને આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. જેના કારણે આ મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો હતો. કટ્ટરવાદીઓ દ્વારા હિન્દુત્વ અંગે નકારાત્મક ચર્ચા ઊભી કરવાનો કટ્ટરવાદીઓ દ્વારા થઇ રહેલો પ્રયાસ જ આ સમસ્યાનું મૂળ કારણ છે. આ સમગ્ર ઘટનાક્રમમાં બીએચવી સતત પોલીસના સંપર્કમાં રહ્યું હતું.


comments powered by Disqus