કિંગ ચાર્લ્સને રાજા બનતા અટકાવવા પ્રિન્સ એન્ડ્રુએ ભારે ધમપછાડા કર્યા હતા

Wednesday 28th September 2022 09:26 EDT
 
 

બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ ત્રીજાના ભાઇ પ્રિન્સ એન્ડ્રુએ પ્રિન્સેસ ડાયના અને પોતાની પૂર્વ પત્ની સારાહ ફર્ગ્યુસન સાથે મળીને પ્રિન્સ ચાર્લ્સને રાજા બનતા અટકાવવાનું કાવતરું ઘડ્યું હોવાનો સનસનાટીપૂર્ણ ધડાકો એક વિસ્ફોટક બાયોગ્રાફીમાં કરાયો છે. પ્રિન્સ એન્ડ્રુએ ક્વીન એલિઝાબેથ દ્વિતીય સમક્ષ ચાર્લ્સ અને કેમિલાના લગ્ન અટકાવવા ઘણા ધમપછાડા કર્યા હતા. પ્રિન્સ એન્ડ્રુએ મહારાણીને કહ્યું હતું કે, કેમિલા પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. કેમિલાના જીવન પર આધારિત એન્જેલા લેવિનના નવા પુસ્તકમાં દાવો કરાયો છે કે ડ્યુક ઓફ યોર્ક કેમિલા સાથે અત્યંત ભદ્દો વ્યવહાર કરતા હતા અને પ્રિન્સ ચાર્લ્સને રાજા બનતા અટકાવવા માટે તેમણે પ્રિન્સેસ ડાયના સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. પ્રિન્સ એન્ડ્રુના કાવતરા અનુસાર રાજગાદીની રેસમાંથી પ્રિન્સ ચાર્લ્સને હટાવી દેવામાં આવે અને તેમના પુત્ર પ્રિન્સ વિલિયમને રાજગાદીના વારસ જાહેર કરી દેવાય. જો પ્રિન્સ વિલિયમ 18 વર્ષના થાય તે પહેલાં મહારાણીનું નિધન થાય તો રાજગાદીની રખેવાળી પ્રિન્સ એન્ડ્રુને સોંપવામાં આવે. લેવિને દાવો કર્યો છે કે પ્રિન્સ ચાર્લ્સને રાજા બનતા અટકાવવા પ્રિન્સ એન્ડ્રુએ ઘણા પ્રયાસો કર્યા હતા.
પ્રિન્સ એન્ડ્રુને હવે કિંગ ચાર્લ્સની દયા પર જીવવાનો વારો આવ્યો
મહારાણીના નિધન બાદ વારસામાં મળેલા ડચી ઓફ લેન્કેશાયરની તમામ આવકનું નિયંત્રણ હવે કિંગ ચાર્લ્સના હાથમાં આવી ગયું છે. મહારાણી આ સંપત્તિઓની આવકમાંથી પ્રિન્સ એન્ડ્રુને દર વર્ષે કેટલીક રકમ આપતાં હતાં. હવે કિંગ ચાર્લ્સના હાથમાં નિયંત્રણ આવતાં પ્રિન્સ એન્ડ્રુની આવકો બંધ પણ થઇ શકે છે. કદાચ કિંગ ચાર્લ્સ પ્રિન્સ એન્ડ્રુને મહારાણીના કોર્ગી શ્વાનોની રખેવાળી માટે થોડું ભથ્થું આપે તેવી સંભાવના છે.

પ્રિન્સ એન્ડ્રુને આલિશાન વિન્ડસર મેન્શનમાંથી હાંકી કઢાવાનો ભય 

હાલ પુરતુ તો પ્રિન્સ એન્ડ્રુ અને તેમની પત્ની સારાહ ફર્ગ્યુસન આલિશાન વિન્ડસર મેન્શનમાં વસવાટ કરી રહ્યાં છે પરંતુ રાજવી પરિવારમાં હોદ્દાઓમાં બદલાવ થતાં તેમને 31 બેડરૂમ ધરાવતા આલિશાન મકાનમાંથી હાંકી કાઢવામાં આવે તેવો ભય સતાવી રહ્યો છે. તેમને આ મહેલ છોડવાની નોટિસ પાઠવવામાં આવે તેવી પ્રબળ સંભાવનાઓ જણાઇ રહી છે.

હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ દ્વિતીય શાશ્વત શાંતિમાં પોઢી ગયાં છેઃ ગોપીચંદ હિન્દુજા

હિન્દુજા ગ્રૂપના કો-ચેરમેન શ્રી ગોપીચંદ પી. હિન્દુજાએ વિડિયો સંદેશામાં હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ દ્વિતીયને હૃદયસ્પર્શી આદરાંજલિ પાઠવી છે. શ્રી હિન્દુજાએ જણાવ્યું છે કે ‘હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ દ્વિતીય શાશ્વત શાંતિમાં પોઢી ગયાં છે અને તેમના નિધનથી સમગ્ર વિશ્વ શોક અનુભવી રહ્યું છે. 70 વર્ષથી વધુ સમય નમ્રતા અને મહાનતા સાથે શાસન કર્યું હોય તેમની ગરિમાને છાજે તે રીતે અંતિમવિધિ થઈ છે. તેમણે વિશ્વના કરોડો લોકોના હૃદયમાં વિશિષ્ટ સ્થાન અંકિત કર્યું હતું. વિશ્વમાં આ પ્રકારના માનવી મળવાં અતિ દુર્લભ છે.
મેં પણ એક નેતાની યાદમાં આંસુ સાર્યા છે જેમણે પોતાની મનહાનતા અને ભવ્યતાની સાથે પ્રેમ અને સમર્પણની પ્રેરણા આપી છે. હિઝ મેજેસ્ટી કિંગ ચાર્લ્સ ત્રીજાએ હૃદયને સ્પર્શે તેવો રાષ્ટ્રજોગ સંદેશો વ્યક્ત કર્યો છે. તેમણે શેક્સપિઅરને ટાંકતા કહ્યું હતું કે,‘મે ફ્લાઈટ્સ ઓફ એન્જલ સીંગ ધી ટુ ધાય રેસ્ટ.’ મે ગોડ બ્લેસ હર.’
75 વર્ષ અગાઉ, ભારતની સ્વતંત્રતાના માત્ર પાંચ વર્ષ પછી જ તેઓ ક્વીન બન્યાં હતાં. તેમના 70થી વધુ વર્ષના શાસનમાં ભારત પ્રત્યે તેમનો પ્રેમ અને આદર અવિરત રહ્યો હતો. તેમણે ત્રણ પ્રસંગે ભારતની મમુલાકાત લીધી હતી અને છેલ્લી મુલાકાત ભારતની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે 1997માં યોજાઈ હતી. એક યુવાન કિશોર તરીકે હું ક્વીનના 70 વર્ષનાં શાસનની આ પળો પ્રેમ અને આનંદાશ્ચર્યથી યાદ રાખું છું. હું અને હિન્દુજા પરિવારના તમામ સભ્યો તેમના પ્રતિ આદર ધરાવીએ છીએ. મારો પરિવાર છેલ્લા 60 વર્ષથી લંડનમાં વસીએ છીએ. મને અને હિન્દુજા પરિવારના સભ્યોને હર મેજેસ્ટી સાથે મુલાકાતનું બહુમાન ઘણી વખત પ્રાપ્ત થયું છે. છેલ્લે હું ગયા વર્ષે જ હર મેજેસ્ટીને વિન્ડસર કેસલમાં મળ્યો હતો. તેમનું ઔદાર્ય, દયાળુતા અને તેમનું પ્રભાવક તેજ સર્વદા સ્મરણમાં રહેશે. આજે અમે હર મેજેસ્ટી પ્રતિ આભાર વ્યક્ત કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તેમના આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય અને ઈશ્વર તેમને આશીર્વાદ આપે.’
મેં રાણી સાથે હાથ મિલાવ્યા અને ગીતા હાથમાં રાખી શપથ લીધાઃ શૈલેષ વારા
કન્ઝર્વેટિવ સાંસદ શૈલેષ વારાએ પાર્લામેન્ટમાં સંબોધન દરમિયાન હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ દ્વિતીયને શ્રદ્ધાં્જલિ અર્પી હતી. તેમણે ક્વીનની અસાધારણ કર્તવ્યનિષ્ઠા, જાહેર સેવા પ્રતિ કટિબદ્ધતા તેમજ યુકે, કોમનવેલ્થ અને સમગ્રતયા વિશ્વ પર તેમની પ્રભાવક અસર વિશે જણાવ્યું હતું.
શેલૈષ વારાએ જુલાઈ મહિનામાં વિન્ડસર કેસલ ખાતે ક્વીન સાથે તેમની છેલ્લી મુલાકાત વિશે પણ ઉલ્લેખ કર્યો હતો જ્યારે સીલ્સ ઓફ ઓફિસ ફોર નોર્ધર્ન આયર્લેન્ડ મેળવતા પહેલા પ્રીવી કાઉન્સિલમાં તેમને શપથ લેવડાવ્યાં હતા. તત્કાલીન વડાપ્રધાન બોરિસ જ્હોન્સન દ્વારા શૈલેષ વારાને નોર્ધર્ન આયર્લેન્ડ માટેના સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે કેબિનેટમાં નિયુક્તિ અપાયા પછી આ મુલાકાત યોજાઈ હતી. શૈલેષ વારાએ જણાવ્યું હતું કે,‘મેં તેમની સાથે હાથ મિલાવ્યા અને ભગવદ્ ગીતા હાથમાં રાખી રાજ્યનિષ્ઠાના શપથ લીધા તે સમયનું અદ્ભૂત સ્મિત હંમેશાં મને સ્મરણમાં રહેશે. આ સેરેમની પછી મેં જેના પર શપથ લીધા હતા તે ગીતાનું પુસ્તક રાખવાની મને પરવાનગી અપાઈ હતી.’ વારાએ કહ્યું હતું કે આ પ્રસંગ સૌથી વધુ સ્પેશિયલ એટલા માટે છે કે હર મેજેસ્ટી દ્વારા પ્રીવી કાઉન્સિલમાં શપથ લેવડાવાયા હોય તેવી તેઓ આખરી વ્યક્તિ હતા.

મેઘને પ્રિન્સ હેરીને સંબંધો તોડી નાખવાની ધમકી આપી હતી

લંડન: પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલ અંગેના નવા પુસ્તકે રાજવી પરિવારને વિવાદના ઘેરામાં લાવી દીધો છે. વેલેન્ટાઇન લોએ તેમના નવા પુસ્તક હિડન પાવર બિહાઇન્ડ ધ ક્રાઉનમાં દાવો કર્યો છે કે પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલ બ્રિટન છોડીને અમેરિકા ચાલ્યા ગયા તેના ઘણા સમય પહેલાં તેમના અને રાજવી પરિવાર વચચે તણાવ પ્રવર્તી રહ્યો હતો. વેલેન્ટાઇને પુસ્તકમાં દાવો કર્યો છે કે પ્રિન્સ હેરીને રાજવી પરિવારમાં હાંસિયામાં ધકેલાઇ જવાનો ભય સતાવી રહ્યો હતો અને તેમણે પ્રિન્સ વિલિયમ દ્વારા થતા સમાધાનના પ્રયાસોને પણ નકારી કાઢ્યાં હતાં. પુસ્તકમાં આરોપ મૂકાયો છે કે પ્રિન્સ હેરી તેમના સંબંધો અંગે જાહેરમાં વાત ન કરે તો તેમની સાથે છેડો ફાડી નાખવાની ધમકી મેઘન મર્કેલે આપી હતી.

પુસ્તકમાં કરાયેલા 6 વિસ્ફોટક દાવા

1. પ્રિન્સ હેરીને પ્રિન્સ જ્યોર્જ 18 વર્ષના થશે ત્યારે રાજવી પરિવારમાં હાંસિયામાં ધકેલાઇ જવાનો ભય હતો
2. રાજવી પરિવાર સાથેના સંબંધો સુધારવાના પ્રિન્સ વિલિયમના આમંત્રણને પ્રિન્સ હેરીએ ફગાવી દીધું હતું
3. જાહેરમાં સંબંધોનો સ્વીકાર નહીં કરે તો સંબંધ તોડી નાખવાની મેઘને પ્રિન્સ હેરીને ધમકી આપી હતી
4. વેડિંગ ક્રાઉનના મામલે સર્જાયેલા વિવાદમાં મહારાણી એલિઝાબેથ દ્વિતિય પ્રિન્સ હેરીથી ખૂબ જ નારાજ થયાં હતાં
5. ઓસ્ટ્રેલિયા, ફિજી, ટોંગા અને ન્યૂઝિલેન્ડના પ્રવાસમાં રાજવી મુલાકાતો અંગે નાણા ન ચૂકવાતા મેઘન નારાજ થયાં હતાં
6. મેઘને અંગત પત્રો પ્રસિદ્ધ કરવા માટે મીડિયા પર દાવો કરવાની તૈયારી કરતાં મહારાણી પ્રિન્સ હેરી પર નારાજ થયાં હતાં


comments powered by Disqus