લંડન: 28મી ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપ ટી-20 ક્રિકેટ મેચ બાદ લેસ્ટરમાં સર્જાયેલા કોમી તણાવની અસરો સપ્ટેમ્બર મહિનામાં પણ જારી રહી હતી. બે સમુદાયોના મુઠ્ઠીભર કટ્ટરવાદી માનસિકતા ધરાવતા લોકોના કારણે આ તણાવ બર્મિંગહામ અને વેમ્બ્લી સહિત બ્રિટનના અન્ય શહેરો અને કસ્બાઓમાં પણ અનુભવાઇ રહ્યો છે ત્યારે વિવિધ સામાજિક આગેવાનોએ સરકારને આ મામલામાં તાત્કાલિક હસ્તક્ષેપ કરીને સ્થિતિને નિયંત્રણમાં લેવા અપીલો કરી છે. બ્રિટનના વિવિધ હિન્દુ સંગઠનો, પ્રભાવશાળી હિન્દુ આગેવાનોએ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને પત્રો લખીને કટ્ટરવાદી તત્વો સામે કડક હાથે કામ લેવા અને શાંતિ અને ભાઇચારાથી રહેતા લેસ્ટર સહિતના શહેરોના લોકોને સંરક્ષણ આપવાની અપીલો કરી છે.
ઇસ્કોન, બ્રહ્માકુમારી, સ્વામીનારાયણ મંદિરો, સનાતન મંદિરો, જલારામ મંદિરો, શક્તિપીઠ માતાજી મંદિરો સહિતના 320 કરતાં વધુ હિન્દુ સંગઠનોની એકછત્રી સંસ્થા હિન્દુ ફોરમ બ્રિટનના પ્રમુખ તૃપ્તિ પટેલે હોમ સેક્રેટરીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, હિન્દુ સમુદાય અને અમારા સંગઠનો સામુદાયિક ભાઇચારા અને શાંતિની જાળવણી કરવા તથા ભયનું વાતાવરણ દૂર કરવા આકરી મહેનત કરી રહ્યાં છીએ. અમારા મંદિરો, પૂજાના સ્થળોની સુરક્ષા અંગેની ચિંતાઓ પ્રત્યે અમે તમારું ધ્યાન દોરવા માગીએ છીએ. મંદિરો પર હુમલાની ઘટનાઓ કેમેરા પર કેદ થયેલી છે અને આપણા વૈવિધ્યપૂર્ણ સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સ્વીકાર્ય નથી. મીડિયાના એકતરફી અને પક્ષપાતી અહેવાલો દ્વારા હિન્દુ સમુદાય તરફ ધિક્કારની લાગણી ફેલાવવામાં આવી રહી છે જે ગંભીર ચિંતાનો વિષય છે. આ વિસ્તારોમાં રહેતા અમારા સમુદાયના લોકો પીડામાં છે અને હુમલાના ભયના ઓથાર નીચે જીવી રહ્યાં છે. સરકારે ભવિષ્યમા આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે તાત્કાલિક પગલા લેવાં જોઇએ.
VHP-UK અને WCH-UKનો હોમ સેક્રેટરીને પત્ર
છેલ્લા કેટલાક દિવસમાં અમુક તોફાની તત્વોએ બ્રિટનમાં વસતાં હિન્દુ સમુદાય અને તેમના ધર્મસ્થાનોને નિશાન બનાવીને હિંસક હુમલા કર્યા છે. સ્વાભાવિકપણે જ આવી શ્રેણીબદ્ધ ઘટનાઓથી હિન્દુ સમાજમાં ભય અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ-યુકે (VHP-UK) અને વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુ-યુકે(WCH-UK)એ આવી ઘટનાઓની આકરા શબ્દોમાં નિંદા કરીને તેને વખોડી કાઢી છે. સાથે સાથે જ સંગઠને આવા અસામાજિક કૃત્યમાં સંડોવાયેલા તોફાની તત્વો સામે આકરા પગલાં લઇને હિન્દુ સમુદાયના જાનમાલનું રક્ષણ કરવા માટે આવશ્યક તમામ પગલાં લેવા પોલીસ તેમજ વહીવટી તંત્રને અનુરોધ કર્યો છે.
વિશ્વ હિન્દુ પરિષદ-યુકે અને વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુ-યુકેના નેશનલ વાઇસ પ્રેસિડન્ટ અને ટ્રસ્ટી હસમુખભાઇ વેલજીભાઇ શાહે આ મુદ્દે હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને પણ એક વિગતવાર પત્ર પાઠવ્યો છે. ત્રણ પાનના આ પત્રમાં કાયદો અને વ્યવસ્થાની પ્રવર્તમાન પરિસ્થિત અંગે ચિંતાની લાગણી વ્યકત કરીને હિન્દુ સમુદાયના હિતોનું રક્ષણ થાય તે માટે જરૂરી તમામ પગલાં લેવાની વિનંતી કરી છે.
આ પત્રની સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ-યુકેએ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને 1992-93માં બ્રિટનમાં વસતાં હિન્દુ અને શીખ સમુદાયના સંસ્થાનો અને ધર્મસ્થાનો પર થયેલા હુમલાઓની વિગતવાર યાદી પણ મોકલી છે. પત્રમાં જણાવાયું છે કે બાબરી ધ્વંસની ઘટના ભારતમાં બની હતી, અને અહીં કોઇ પણ પ્રકારનું ઉશ્કેરણીજનક કૃત્ય થયું નહોતું તેમ છતાં તોફાનીઓએ હિન્દુ સમુદાયને નિશાન બનાવ્યો હતો.

