ગુજરાતમાં નવેમ્બરના અંતમાં ચૂંટણી, દિવાળી પછી જાહેરનામું

Tuesday 27th September 2022 16:16 EDT
 
 

 આણંદ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સોમવારે આણંદમાં કહ્યું હતું કે રાજ્યમાં આગામી નવેમ્બરના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. અને દિવાળી પછી જાહેરનામુ બહાર પડી શકે છે. આણંદ શહેરમાં પેજ સમિતિ સંમેલનને સંબોધન કરતા પાટીલે આ નિવેદન આપ્યું હતું. જો કે આ નિવેદન આપ્યા બાદ તેમણે તરત ઉમેર્યું હતું કે આ મારો રાજકીય અંદાજ છે. મેં ચૂંટણી પંચ સાથે વાત કરી નથી.

નવેમ્બરમાં ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરાશે

આણંદ નાવલી રોડ પર અંદાજે 3.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન કાર્યાલય કમલમને નવરાત્રિના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર .પાટીલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓને સંબોધતા ભાજપના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીનું દિવાળી બાદ જાહેરનામુ બહાર પડશે, નવેમ્બરમાં ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરાશે.

પાટીલે જણાવ્યું હતું કે આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય સમગ્ર રાજ્યમાં મોડલ બની રહેશે.

પાટીલના હસ્તે કાર્ડ અર્પણ કરવામાં આવ્યાં

ભાજપના આ નવા કાર્યાલયમાં આગામી વિધાનસભાની ચૂંટણી 7 બેઠકો જીતવા માટે કાર્યકર્તા કામે લાગી જશે. કામને લયમાં ફેરવીને કામ થાય તો જ સાચા અર્થમાં કાર્યાલય બની રહેશે. આણંદ જિલ્લાનું મજબૂત સંગઠન સમગ્ર રાજયમાં વિશેષ છે જેથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં કાર્યકતાની ખંત અને મહેનત નિર્ણાયક બની રહેશે ,ભાજપના સરકારની વિવિધ યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓ કટીબધ્દ્વ છે. ત્યારબાદ પેજ સમિતિના સભ્યોને સી.આર.પાટીલના હસ્તે કાર્ડ અર્પણ કરવામાં આવ્યાં હતાં.

છેલ્લી બન્ને ચૂંટણી બે તબક્કામાં યોજાઈ

​​​​​​​2017ની વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન 9 અને 14 ડિસેમ્બરે બે તબક્કામાં થયું હતું. જ્યારે મતગણતરી 18 ડિેસેમ્બરે થઈ હતી. 2012ની વિધાનસભા ચૂંટણી પણ 13 અને 17 ડિસેમ્બરે થઈ હતી. તથા 20 ડિસેમ્બરે મતગણતરી યોજાઈ હતી. વર્તમાન વિધાનસભાની ટર્મ 2023ની 18 ફેબ્રુઆરીએ પૂરી થાય છે.


comments powered by Disqus