જૂનાગઢનું એક એવું મંદિર જે વર્ષમાં એક જ વાર ખુલ્લે છે, સ્વસ્તિક આકાર અખંડ દીવા થાય છે

Tuesday 27th September 2022 11:53 EDT
 
 

જુનાગઢઃ શહેરમાં એક એવું મંદિર છે, જે વર્ષમાં માત્ર એક જ વાર નવરાત્રિ દરમિયાન ખુલ્લે છે. જૂનાગઢમાં આવેલા હીરાગીરીજી માતાજીનો મઠ વર્ષમાં એક જ વાર ખુલે છે અને નવરાત્રિ દરમિયાન જ અહી અખંડ દીવા થાય છે.

હીરાગીરીજીનું શક્તિ સ્થળ જૂનાગઢના માંગનાથ મહાદેવના મંદિર ખાતે આવેલું છે. હીરાગીરીજી માતાજીનું મૂળ વતન ઉતર ભારત હતું, પરંતુ માંગનાથ પીપળી ગામે તેઓ રહેતા હતા. માલધારીઓના નેસમાં રહીને તેઓ તપ અને સાધના કરતા અને ગાયોની સેવા કરતા માંગા ભટ્ટ સાથે તેઓનો પરિચય થયો અને હીરાગીરીજી જૂનાગઢ માંગનાથ મંદિર ખાતે વસવાટ કરવા લાગ્યા હતા. માંગા ભટ્ટે તેમને માંગનાથ મંદિર સુપૃત કર્યું હતું. પછી માતાજીએ પણ જીવતા સમાધી લીધી છે. માતાજી જે રૂમમાં રહેતા હતા તેમાં જ તેમની સ્થાપના કરવામાં આવે છે. આ મંદિર આખું વર્ષ બંધ રહે છે. માત્ર આસો નવરાત્રિના આઠ દિવસ જ મંદિર ખોલવામાં આવે છે. 400 વર્ષ કરતા પણ વધારે પ્રાચીન છે આ મંદિર.

આ અંગે મંદિરના મહંત ધર્મેશગીરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન અહી અખંડ દીવાઓ પ્રજવલિત રાખવામાં આવે છે. આ વર્ષે 150 કરતા પણ વધારે દીવાઓ અખંડ પ્રજવલિત કર્યા છે. સ્વસ્તિક આકારમાં આ દીવો ગોઠવવામાં આવે છે અને એક પણ દીવો આઠ દિવસ સુધી ઓલવાય નહી તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.


comments powered by Disqus