ભાવનગરમાં વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલઃ વડા પ્રધાન શિલાન્યાસ કરશે

Tuesday 27th September 2022 11:57 EDT
 
 

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 29મીએ ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલનો શિલાન્યાસ કરશે. વર્ષ 2019માં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટમાં ફોરસાઇટ ગ્રૂપ દ્વારા ગુજરાતમાં સીએનજી ટર્મિનલ બનાવવા મેરીટાઈમ બોર્ડ સાથે સમજૂતી કરાર કરાયા હતા. આ બંદર 4024 કરોડના ખર્ચે વિક્સાવાશે.

બંદરમાં વિશ્વની ચોથી સૌથી મોટી લોકગેટ સિસ્ટમ હશે. આ ઉપરાંત અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ, મલ્ટીપર્પઝ ટર્મિનલ અને લિક્વિડ ટર્મિનલ પણ હશે. જે હાલના રોડ વે અને રેલવે નેટવર્કને સૌથી મોટા ઔદ્યોગિક ઝોન, ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર અને ઉત્તરીય અંતરિયાળ વિસ્તારો સાથે જોડતી સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે. આ બંદર 1100 જેટલા લોકો માટે પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારીનું સર્જન કરશે. પોર્ટનું બાંધકામ 2023ના પ્રથમ છ મહિનામાં શરૂ થશે અને 2026માં બંદર કાર્યરત થઈ જશે તેમ મનાય છે.

પોર્ટની સાથે વડા પ્રધાન ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર રિજનલ સાયન્સ સેન્ટરનું પણ ઉદઘાટન કરશે. જે 20 એકરમાં ફેલાયેલું છે અને 100 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું છે. વડા પ્રધાન મેક ઈન ઈન્ડિયાની જાહેરાત બાદ ભારત સરકારે ભાવનગર ખાતે કન્ટેનર મેન્યુફેક્ચરિંગ હબની સ્થાપના કરી હતી.


comments powered by Disqus