રાજકોટઃ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે વેરાની રકમ જમા કરાવવા માટે એક મંદિરના પુજારી પહોંચ્યા હતા. વેરા વસુલાત શાખામાં કોઠારિયા વિસ્તારમાં આવેલા મારુતિ મંદિરના પૂજારી પોતાનો 1800 રૂપિયા જેટલો વેરો ભરવા માટે 50 પૈસાના સિક્કાના પરચૂરણ લઇને આવ્યા હતા. જો કે, વેરા વસુલાત શાખાના અધિકારીએ આ પરચૂરણ સ્વીકારવાનો ઇન્કાર કરતા પૂજારીએ વિરોધ કર્યો હતો. બાદમાં અધિકારીઓએ ચિલ્લર સ્વીકાર્યું હતું.
મારૂતિ મંદિરના પુજારી હેમેન્દ્ર ભટ્ટે જણાવ્યું હતું કે, મારી આવકનું માધ્યમ એકમાત્ર મંદિરની દાન પેટીમાં આવતી રકમ છે. જેથી દાન પેટીમાં જે આવક થાય તે લઈને તેઓ વેરો ભરપાઇ કરવા આવ્યો છું. 1800 રૂપિયાના વેરામાં પરચૂરણ છે. પુજારીએ સરકાર સામે સવાલ કર્યો હતો કે, પરચૂરણ એ ભારતીય ચલણ નથી અને જો હોય તો મનપા શા માટે તેને લેવાની ના પાડે છે. આ પહેલા પણ અનેકવાર પરચૂરણ રૂપિયા આપીને જ પોતાનો વેરો ભરપાય કર્યો હતો.
