રાજકોટઃ શહેરની 150 વર્ષ જૂની પ્રતિષ્ઠિત રાજકુમાર કોલેજમાં ટ્રસ્ટી મંડળની ચૂંટણી સંપન્ન થઈ છે. જેના જાહેર થયેલા પરિણામ બાદ ટ્રસ્ટના પ્રમુખ પદ પર સર્વાનુંમતે રાજકોટના માંધાતસિંહજીની વરણી કરવામાં આવી હતી.
ભારતની ધરા પર 150 વર્ષ જુની સંસ્થા જેણે રાજકુમારોને શિક્ષિત કરીને સુશાસનના પાઠ ભણાવ્યા રાજકુમાર કોલેજમાં નવા પ્રમુખ તરીકે માંધાતસિંહજીની વરણી કરાઈ છે. રાજકુમાર કોલેજના બંધારણ અનુસાર સેલ્યુટ સ્ટેટના 4 અને નોન સેલ્યુટ સ્ટેટના 3 પ્રતિનિધિ વચ્ચે દર પાંચ વર્ષે ચૂંટણી યોજાય છે અને 7 ટ્રસ્ટીઓનું બોર્ડ બને છે. આ ચૂંટણીનું પરિણામ જાહેર થતા સેલ્યુટ સ્ટેટમાં ભાવનગરના વિજયસિંહજી, લીંબડીના જયદીપસિંહજી, રાજકોટના માંધાતસિંહજી, ધ્રોલના પદ્મરાજસિંહજી અને નોન સેલ્યુટ સ્ટેટમાં ચુડાના કૃષ્ણકુમારસિંહજીને ચૂંટાયેલા જાહેર કરાયા હતા. અગાઉ નોન સેલ્યુટ સ્ટેટના બે ઉમેદવારો લાઠીના કીર્તિકુમારસિંહજી અને મુળીના જીતેન્દ્રસિંહજી ચૂંટાયેલા જાહેર થયા હતા. આમ સતત ટ્રસ્ટીઓનું બોર્ડ બન્યું હતું.
જેમાંથી ટ્રસ્ટીમંડળ દ્વારા સર્વાનુંમતે રાજકોટના માંધાતસિંહજીને પ્રમુખ તરીકે નિયુક્ત કરતા રાજકુમાર કોલેજના ભાવસિંહજી હોલમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકુમાર કોલેજના નવનિયુક્ત ટ્રસ્ટીઓ, ટિચીંગ અને નોન ટિચીંગ સ્ટાફ, એલ્યુમ્ની તેમજ શહેર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે માંધાતસિંહજીએ જણાવ્યું હતું કે, 1891ની સાલમાં 16 વિદ્યાર્થીઓની પહેલી બેચ સાથે શરૂ થયેલી આ સ્કૂલમાં આજે 2 હજારથી પણ વધુ વિદ્યાર્થી છે.

