HSS દ્વારા યુકે પાર્લામેન્ટ વીકની ઉજવણી

અમે જાહેર જીવનમાં હિન્દુ સમુદાયના યોગદાનને બિરદાવીએ છીએ : સાંસદો

Wednesday 07th December 2022 08:51 EST
 
 

લંડન: યુકે પાર્લામેન્ટ વીક ઓફિશિયલ પાર્ટનર ઓફ ધ યર 2020ના વિજેતા હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS) યુકે દ્વારા 6ઠ્ઠા વર્ષે યુકે પાર્લામેન્ટ વીકમાં ભાગ લેતાં દેશભરમાં આવેલી 44 શાખાઓ પર કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. એચએસએસ યુકેને યુકે પાર્લામેન્ટ એજ્યુકેશન એન્ડ એન્ગેજમેન્ટની ઇમ્પેક્ટ સ્ટોરીમાં સ્થાન અપાયું છે. યુવાનોને તેમના વિચારો રજૂ કરવા અને તેમના માટે મહત્વના મુદ્દા પર રજૂઆત કરવાની આ એક અદ્દભૂત તક મળી હતી. યુનાઇટેડ કિંગડમમાં 34 મતવિસ્તારો અને કાઉન્સિલ વોર્ડનું પ્રતિનિધિત્વ કરતી શાખાઓ આ વાર્તાલાપમાં સામેલ થઇ હતી.
નવેમ્બરમાં સમગ્ર યુકેમાં યુકે પાર્લામેન્ટ વીકની ઉજવણી કરાય છે. જેમાં હિન્દુ, જૈન, બૌદ્ધ અને શિખ સમુદાયના લોકો સહિત સમગ્ર જનતાને સંસદ સાથે સાંકળતી પ્રવૃતિઓમાં સામેલ કરાય છે. આ ઉજવણીનો મુખ્ય હેતૂ વિવિધ સમુદાયોના યુવાનોને પ્રોત્સાહિત કરી સશક્ત બનાવવાનો છે. સમગ્ર દેશમાંથી આવેલા લોકોને શાખાઓ ખાતે સવાલો પૂછવા, વિચારણા કરવા, યુકેની સંસદ સાથે સંકળાવા અને તેઓ પણ આ ધબકતી લોકશાહીનો હિસ્સો છે તે પ્રદર્શિત કરવાની તક મળી હતી.
આ દરમિયાન આમંત્રિત મહેમાનો સમક્ષ ખેલ અને સૂર્યનમસ્કાર સહિતની એચએસએસ યુકેની પ્રવૃત્તિઓનું નિદર્શન કરાયું હતું. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ, યોગના શાળાના અભ્યાસક્રમમાં સમાવેશ, પોલીસને વધુ સ્ત્રોતો દ્વારા કાર્યક્ષમ બનાવવી, એનએચએસને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવી, પર્યાવરણ પર સરકારની નિષ્કાળજી જેવા મુદ્દાઓ પર સંસદની તર્જ પર ચર્ચાઓ હાથ ધરાઇ હતી. તેમાં મતદાન પણ કરાવાયું હતું અને કેટલાંક રસપ્રદ પરિણામ જાણવા મળ્યા હતા. સંસદસભ્યો, કાઉન્સિલરો અને મેયરો સાથે ઓનલાઇન સુરક્ષા, સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, હિન્દુ હેરિટેજ માસને સત્તાવાર માન્યતા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી. પ્રશ્ન-જવાબના સેશનમાં મહેમાનો સમક્ષ ઉપસ્થિત કરાયેલા સવાલો દર્શાવે છે કે યુવાનો સંસદ અને ટાઉન કાઉન્સિલોની કામગીરી શીખવામાં ઘણો રસ ધરાવે છે. સંખ્યાબંધ શાખાઓ ખાતે ક્વીઝનું આયોજન કરાયું હતું, સંસદના વીડિયો રજૂ કરાયાં હતાં અને સંસદની કામગીરી પર ચર્ચા કરાઇ હતી.
સાંસદો થેરેસા વિલિયર્સ, એન્જેલા રેયનોર, એલેક્સ ચાલ્ક, એન્થની બ્રાઉન, રિચર્ડ ફૂલર, ક્લેર હાન્નાએ એચએસએસની પ્રવૃત્તિઓમાં ઘણો રસ દાખવ્યો હતો અને સંસદની કામગીરી અંગે જાગૃતિ ફેલાવવામાં એચએસએસની ભુમિકાની પ્રશંસા કરી હતી. સાંસદ માઇક ફ્રીર અને ગોલ્ડર્સ ગ્રીને જણાવ્યું હતું કે, જનતા આપણી લોકશાહીની શક્તિઓ સમજી શકે તે સુનિશ્ચિત કરવામાં એચએસએસ મોટી ભુમિકા ભજવી રહ્યો છે. અમે જાહેર જીવનમાં હિન્દુ સમુદાયના યોગદાનને બિરદાવીએ છીએ. આમંત્રિત મહેમાનો યુવાપેઢીમાં સેવા, સંસ્કાર અને સંગઠનના મૂલ્યોના સિંચનમાં એચએસએસની કામગીરીથી પ્રભાવિત થયાં હતાં.
એચએસએસ યુકેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, યુકે પાર્લામેન્ટ વીક 2022ની ઉજવણીમાં ઘણી શાખાઓ સામેલ થઇ હતી અને 1400 કરતાં વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં. યુકે પાર્લામેન્ટ વીક લોકશાહીની ઉજવણી છે. અમે તેના દ્વારા જવાબદાર નાગરિકત્વને પ્રોત્સાહન આપીએ છીએ.
2021માં યુકે પાર્લામેન્ટ વીકમાં 1.1 મિલિયન લોકો સામેલ થયાં હતાં અને 10,000 કરતાં વધુ પ્રવૃત્તિ કરાઇ હતી. આ વર્ષની ઉજવણી તેના કરતાં પણ વિશાળ રહેવાની સંભાવના છે. યુકે પાર્લામેન્ટ વીક એન્ગેજમેન્ટના સીનિયર પાર્ટનરશિપ અધિકારી એની વેડિંગ્ટને જણાવ્યું હતું કે, હિન્દુ સ્વયંસેવક સંઘ યુકેએ આ વર્ષના યુકે પાર્લામેન્ટ વીકની ઉજવણીમાં ભાગ લીધો, તેના સભ્યોને લોકશાહીમાં સામેલ થવાની પ્રેરણા આપી, અને તેમને સતાવતા મુદ્દાઓ પર ચર્ચાની તક આપી તેનાથી અમે ઘણા ખુશ છીએ.


comments powered by Disqus