વડોદરા: કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને ત્રણ અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે સંબોધનમાં કહ્યું હતું કે, હવે ભારત કમજોર ભારત રહ્યું નથી. આજનું ભારત તાકાતવર બની ગયું છે. દેશની સેનાના જવાનોનાં વખાણ કરો એટલાં ઓછાં પડે તેમ છે. પહેલાં ભારતે અન્ય દેશ પાસેથી હથિયારની બહુ ખરીદી કરી, પરંતુ હવે આપણા દેશમાં જ હથિયાર બની રહ્યાં છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત વર્ષ 2025 સુધી ભારતમાં 410 જેટલી સંરક્ષણની વિવિધ વસ્તુ જેવી કે બંદૂક, રાઇફલ, ગોળા બારુદ, મિસાઇલ વગેરે બનશે અને વિશ્વના બીજા દેશોમાં આપણી આ સંરક્ષણની વસ્તુને વેચીશું. અર્થતંત્રની બાબતમાં આપણે 10મા કે 11 મા નંબર પર હતા, પરંતુ ભાજપના શાસનથી અત્યારે સમગ્ર વિશ્વમાં અર્થતંત્રની બાબતમાં આપણે 5મા નંબર પર છીએ અને આવનારા વર્ષ 2046 સુધી આપણે સમગ્ર વિશ્વમાં ટોપ પર રહીશું. અમેરિકા અને ચીન જેવી મહાસત્તા પણ આપણી પાછળ હશે.

