અમદાવાદઃ મલ્ટિલેવલ માર્કેટિંગ કંપનીના ઓથા હેઠળ ઊંચું વળતર આપવાની લાલચ આપીને હજારો લોકો સાથે રૂ.260 કરોડની છેતરપિંડી કરનારા કૌભાંડી વિનય શાહની 4 વર્ષે સીઆઇડી ક્રાઇમે દિલ્હીથી ધરપકડ કરી છે. ફરિયાદ નોંધાયા બાદ આરોપી વિનય શાહ અન્ય રાજ્યમાં થઈ નેપાળ ફરાર થઈ ગયો હતો, જેથી તે સમયે તેની ધરપકડ થઈ શકી નહોતી.
અમદાવાદમાં અનેક લોકો પાસેથી પૈસા ઉઘરાવીને વિનય શાહ નેપાળ ભાગી ગયો હતો, જ્યાં પોલીસે તેની ધરપકડ કરી હતી. નેપાળથી છૂટ્યા બાદ સીઆઇડી ક્રાઇમની ટીમે દિલ્હીથી તેને ઝડપી પાડ્યો હતો. જેને પરત અમદાવાદ લાવવામાં આવશે. પાલડીમાં રહેતા વિનય બાબુલાલ શાહે થલતેજના પ્રેસિડેન્ટ પ્લાઝામાં ઓફિસ ભાડે રાખીને આર્ચર કેર ડિજિ. ઓફ એલ.એલ.પી. નામની કંપની શરૂ કરી રોકાણ ઉપર ઊંચું વળતર આપવાની જાહેરાત કરી હતી. વિનય શાહની આ લોભામણી સ્કીમોમાં હજારો લોકોએ પૈસા રોક્યા હતા.

