કંપાલામાં કચ્છી યુવાનોએ સર્જ્યું મિની ભારત

ત્રિશિખરીય મંદિરના મહોત્સવ પ્રસંગે ઊમટી પડ્યા કચ્છી-કણબીઓ

Wednesday 07th December 2022 07:24 EST
 
 

કમ્પાલાઃ હિજરત કચ્છીઓનો ઇતિહાસ રહ્યો છે, પરંતુ યુગાન્ડામાં કચ્છીઓએ એવું કરી બતાવ્યું કે લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. 1971માં પહેરેલાં કપડે કર્મભૂમિ ભારતને અલવિદા કહેનારા કચ્છીઓની પેઢીએ યુગાન્ડામાં મિની ભારત ઊભું કરી દીધું છે, ત્યાં સુધી કે એક વૈભવી હિન્દુ મંદિરનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં વિશાળ પ્રાર્થના ખંડ, પ્રસાદાલય ઊભા કરવામાં આવ્યા છે.
મોટા પ્રમાણમાં કચ્છીઓ અને ગુજરાતીઓની વસ્તી ધરાવતા યુગાન્ડાની સાડા પાંચ એકર જમીન પર ત્રિશિખરીય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નિમિત્તે ત્યાં મોટા પ્રમાણમાં સંતો, મહંતો અને હજારો ભારતીયોએ હાજરી આપી હતી. આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ, મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીના હસ્તે મંદિરમાં વિધિવિધાન કરવામાં આવ્યા હતા.
કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયા, યુકે, ઓસ્ટ્રેલિયા અને કચ્છથી હજારો હરિભક્તોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મહોત્સવના મધ્યાંતરે ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન અને નરનારાયણદેવની પ્રતિમાઓનું હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાન કરાયું હતું. મંદિરના હિતેશ જેસાણી, વડીલ કાર્યકરો અને સંતોના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું.
કણબી કાર્નિવલ
રવિવાર સવારથી યુગાન્ડાના કંપાલામાં લોકોએ કણબી કાર્નિવલ માણ્યો હતો. ઠાકોરજીની 3 કિમી લાંબી શોભાયાત્રામાં સાત દેશોના ધ્વજ, પાંચ હજાર હરિભક્તો, 71 સંતો ઉપરાંત સ્થાનિક અધિકારીઓ અને રાજકીય આગેવાનો જોડાયા હતા. આ શોભાયાત્રામાં કણબી-કચ્છી સંસ્કૃતિનાં ગાડાં, પહેરવેશ, સાડી, બેન્ડ પાર્ટી, રંગબેરંગી બેડલાં, મહિલા ઢોલ ટીમ, મોરના ફ્લોટ્સસસ રંગબેરંગી પાઘડીઓ, વહાણ બેડાં, દાંડિયા-તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યાં હતાં.
નગરયાત્રાની વિગતો આપતાં મિરજાપરના ઉત્સાહી કાર્યકર રાજેશભાઈ હિરાણીએ ઉમેર્યું કે, અતિ ઉત્સાહ અને ધાર્મિક-સામાજિક લાગણી સાથે સહુના પુરુષાર્થથી મંદિરની આ ઉજવણી કરવામાં આવી છે.
શનિવારે યોજાયેલી સભામાં સમગ્ર કોમ્પ્લેક્સના મુખ્ય દાતા અને કચ્છી દાનવીર હસમુખભાઈ કાનજી ભુડિયાએ કંપાલા આવાસ યોજનાની ઐતિહાસિક જાહેરાત કરી આખું સંકુલ જાતે બનાવી દેવા ધરપત આપી હતી. આ સિવાય પ્રતીકાત્મક રીતે વડીલ પરબતભાઈ સિયાણી, હિતેશ જેસાણી, રાજુભાઈ હિરાણી, નિમિષ સિયાણી, બિપીનભાઈ પિંડોરિયા, અરવિંદ વેકરિયા અને દિનેશભાઈ હાલાને ઊભા કરી તેમના કાર્યોને બિરદાવાયાં હતાં. કંપાલામાં કચ્છીઓ નિર્મિત શૈક્ષણિક સંકુલનું ઉદઘાટન યુગાન્ડાના રાષ્ટ્રપતિ મુસેબીએ કર્યું હતું. તેમણે યુગાન્ડાની પ્રગતિમાં ભારતીયોના યોગદાનની નોંધ લીધી હતી.
અગ્રણીઓની ઉપસ્થિતિ
ઉત્સવમાં ભાગ લેવા મૂળ સામત્રાના નાઇરોબી નિવાસી દાતા ઉદ્યોગપતિ કે.કે. પટેલ, વિલ્સડન મંદિરના ટ્રસ્ટી અને દાનવીર કે.કે. જેસાણી, યુ.કે. કોમ્યુનિટી અધ્યક્ષ માવજીભાઈ વેકરિયા-કોન્ફોર્ડ, માતૃસંસ્થા ભુજ સમાજથી એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, પૂર્વાધ્યક્ષ અરજણભાઈ પિંડોરિયા, રામજીભાઈ વેકરિયા અને કાંતિભાઈ એરૂશા સહિત ઓસ્ટ્રેલિયા, યુકે, આફ્રિકાના દેશો, કચ્છ અને અખાતી દેશોના કચ્છીઓ આવી પહોંચ્યા હતા. યુગાન્ડામાં વસતાં કચ્છીઓના ઇતિહાસમાં આ સૌથી મોટો ઉત્સવ માનવામાં આવે છે.


comments powered by Disqus