ભુજ: રાજ્યમાં ચૂંટણી પૂર્વે કચ્છમાં આવકવેરા વિભાગની 30થી વધુ ટીમની દરોડાની કાર્યવાહીમાં આશરે રૂ. 22 કરોડની બેનામી મતા મળી આવી હતી. આ દરમિયાન આચારસંહિતાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરને અહેવાલ અપાયો હતો, પરંતુ વિવિધ દસ્તાવેજોની તપાસ પછી આવકવેરા ખાતાની સાથે અન્ય એજન્સીઓની પણ આંખો પહોળી થઈ જાય તેવા મોટા હવાલા કૌભાંડના સંકેત મળ્યા હતા. એવું કહેવાય છે કે, આ દિશામાં જો કોઈ રાજકીય વગ કામ નહીં કરી જાય તો મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની ભીતિ સેવાઈ રહી છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર આ સામૂહિક દરોડામાં આવકવેરા અધિકારીઓને વિવિધ વેપારીઓના બેનામી વ્યવહારોના મજબૂત પુરાવા મળ્યા છે. કચ્છમાં દાન કરવાના નામે કેટલાક ઉદ્યોગગૃહો સુધી પણ આ રેલો જતો હોવાથી અનેકની ઊંઘ ઊડી ગઈ છે. આમ આવકવેરા વિભાગને માટે ‘છીંડું શોધતા લાધી પોળ’ જેવો ઘાટ સર્જાયો છે અને તેથી જ ચૂંટણીના કારણે આ તપાસમાં ચૂપચાપ ઝડપ આવી ગઈ છે.
આ કથિત કૌભાંડ કેવી રીતે આચરાઈ રહ્યું છે?
અહીં કેટલાક લોકોએ આફ્રિકન દેશમાંથી દાતા શોધીને તેમની પાસેથી ત્યાંના ચલણમાં સત્તાવાર દાન લીધું છે. આ સાથે ત્યાં ખેતીની જમીન ખરીદીને અમુક ઉત્પાદન માટે લીઝ કરાર કર્યા છે. એ માટે તે દેશ આ ઉત્પાદનની બીજે ક્યાંયથી આયાત ન કરે, પરંતુ આ લીઝ કરારવાળા પાસેથી જ ખરીદે તેવાં લખાણો કરાવીને દાનની રકમ એ ખેત ઉત્પાદનની બતાવાઈ છે. બીજી તરફ કચ્છમાં ભારતીય ચલણમાં દાતાઓની રકમ જાહેર કરીને બારોબાર મસમોટો ફાયદો ઉઠાવી લીધો છે. સૂત્રોના મતે આઇટીના દરોડામાં લોકરમાંથી જે દસ્તાવેજો મળ્યા તે જોઈને તપાસ અધિકારીઓ આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા. તેનું કારણ એ હતું કે દસ્તાવેજોમાં દરોડાની નોંધો અને લીઝ કરારનો પણ ઉલ્લેખ હતો. આ તમામ દસ્તાવેજોની સાથે હોસ્પિટલના નિર્માણના મહત્ત્વના દસ્તાવેજો પણ હતા, જે હવે જપ્ત થઈ ગયા છે.
